IPL-2024વિશેષસ્પોર્ટસ

ધોનીએ પોતાના ફેન દ્વારા કરવામાં આવેલા પેઈન્ટીંગની પ્રશંસા કરી

મે 10, અમદાવાદ: મહેન્દ્ર સિંહ ધોની કોઇપણ પ્રકારની શંકા વગર ભારતના સહુથી મહાન ક્રિકેટરોમાં સામેલ થાય છે. તેણે પોતાની કેપ્ટન કૂલની ઈમેજથી ભારતને ઘણી મેચો જીતાડી પણ છે. આ ઉપરાંત ધોનીએ પોતાના કાર્યોથી પણ કરોડો ફેન્સના દિલ પણ જીત્યા છે. હાલમાં જ ધોનીએ પોતાના ફેનને મળીને તેની ઈચ્છા પૂરી કરી હતી.

યશ પ્રજાપતિ જે એક સારો પેઈન્ટર છે તેણે ધોનીના પેઇન્ટિંગ બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ધોનીને મળવાની અને પોતાની કળા તેને દેખાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે આ વાત ધોની સુધી પહોંચી ત્યારે તેણે સહર્ષ સ્વીકારી લીધી હતી.

ધોનીની ટીમ દ્વારા યશ પ્રજાપતિને તેની હોટલે મળવાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારબાદ તે ધોનીને રૂબરૂમાં મળ્યો હતો અને તેને પોતાના પેઇન્ટિંગ દેખાડ્યા પણ હતા. ધોની આ પેઇન્ટિંગ જોઇને અત્યંત પ્રભાવિત થયો હતો અને તેણે આ કલાકારના ભરપૂર વખાણ પણ કર્યા હતા.

ત્યારબાદ યશના જીવનની સહુથી મહત્વની પળ આવી હતી. ખુદ મહેન્દ્ર સિંહ ધોનીએ તેના પેઇન્ટિંગ ઉપર ઓટોગ્રાફ આપ્યો હતો. આમ આ રીતે ફરી એકવાર ધોની દ્વારા પોતાના ફેનનું દિલ જીતી લેવામાં આવ્યું હતું.

જો કે આજકાલ મહેન્દ્ર સિંહ ધોનીની ટીકા પણ કરવામાં આવી રહી છે. છેલ્લી ત્રણ સિઝનથી ધોની બેટિંગ ક્રમમાં બહુ નીચે બેટિંગ કરવા આવે છે. આમ કરવાથી તે અન્ય બેટ્સમેનોની પાછળ છુપાય છે અને પોતાની ઉંમર થઇ ગઈ હોવા છતાં હજી પણ ક્રિકેટ રમવાનું છોડી શકતો નથી એ નબળાઈને છુપાવવા માંગે છે તેવી ટીકાઓ ધોનીના ટીકાકારો કરી રહ્યા છે.

પંજાબ કિંગ્સની મેચમાં તો ધોની છેક નવમા નંબરે આવ્યો હતો. તેના આ નિર્ણયની પૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંઘ અને ઈરફાન પઠાણે આકરી ટીકા કરી હતી. આ બંનેનું કહેવાનું હતું કે જો ધોની આટલા નીચે આવીને જ બેટિંગ કરવા માંગતો હોય તો બહેતર રહેશે કે તે રમવાનું છોડી દે.

જો કે એક સમાચાર અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીને પગમાં મસલની ઈજા થઇ છે અને આથી તે રન સરખી રીતે દોડી નથી શકતો તેમ પણ જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે ધોની ઉપરના ક્રમે આવીને બેટિંગ કરવા નથી માંગતો.

ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સના મતે ધોની આ રીતે પોતાની ટીમ માટે બહુ મોટું બલીદાન આપી રહ્યો છે. જ્યારે તેના ટીકાકારો અનુસાર જો તે ઈજાગ્રસ્ત હોય તો તેણે રમવું ન જોઈએ કારણકે તે કોઈના પર ઉપકાર નથી કરી રહ્યો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

Back to top button