પ્રેમાનંદ, મીરાં અને નરસિંહ કરતાં ધીરા ભગત જુદી ઘાટીના કવિ છેઃ કીર્તિદા શાહ
અમદાવાદ, 5 જાન્યુઆરી, 2025: ગુજરાતના પ્રાચીન સંત કવિઓ વિશે છેલ્લા ચાર દિવસથી યોજાઈ રહેલા સાહિત્યપર્વમાં શહેરીજનો રસતરબોળ થઈ રહ્યા છે. આજે રવિવારે આ સંત સાહિત્યપર્વનો અંતિમ દિવસ છે. ગઈકાલે શનિવારે આ શ્રેણીમાં અત્યંત મનનીય અને ભાવુક વાતો કરતાં સાહિત્યકાર કીર્તિદાબેન શાહે કહ્યું હતું કે, ધીરા ભગત એ જુદી જ ઘાટીના કવિ છે. ધીરા ભગતની રચનાઓ તથા એ લોકો સુધી કેવી રીતે પહોંચતી તેના વિશે પણ કીર્તિદાબેને રોચક માહિતી આપી હતી.
શહેરીજનો છેલ્લા થોડા દિવસથી પ્રથમ વખત જ યોજાઈ રહેલી અભૂતપૂર્વ વ્યાખ્યાન શ્રેણીનો લાભ લઈ રહ્યા છે. વાસ્તવમાં તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણી ‘સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે ગઈકાલે ૦૪ જાન્યુઆરી, શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે, ૦૫ જાન્યુઆરી, રવિવારે આ ‘સંત સાહિત્યપર્વ’ શ્રેણીના પાંચમા અને અંતિમ દિવસે સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવી અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલ વક્તવ્ય આપશે.
ગઈકાલે શનિવારે ધીરા ભગત વિશે આસ્વાદ કરાવતાં કીર્તિદા શાહે કહ્યું હતું કે, આપણા મધ્યકાલીન સાહિત્યનો વારસો અમૂલ્ય છે. એ અરસામાં એવા સંત સાહિત્યકારો થઈ ગયા જેમણે આપેલી રચનાઓ આજે આટલી સદી પછી પણ આપણને પ્રેરિત કરે છે. આવા એક સંત કવિ હતા ધીરા ભગત, તેમ જણાવી કીર્તિદા શાહે ઉમેર્યું હતું કે, જોકે પ્રેમાનંદ, મીરાં અને નરસિંહ કરતાં ધીરા ભગત જુદી ઘાટીના કવિ છે. જીવન ખાતર કળા એ ધીરા ભગત જેવા સંતોએ જીવતા શીખવાડ્યું છે.
ધીરા ભગતે શરીર દ્વારા કોઈ જ ઓળખાણ આપી નથી. એટલે એમના જીવન વિશે એમણે કોઈ માહિતી આપી નથી. કિવંદતી એવી છે કે ધીરા ભગત જે રચના રચતા એ ભૂંગળીમાં નાખી મહી નદીમાં વહાવી દેતા. પછી જેના હાથમાં એ પદ કે રચના આવે તે અન્ય લોકો સુધી પહોંચાડતા. ધીરા ભગત વેદાંતી કવિ છે.
અંબાદાન રોહડિયાએ પણ તેમના વિદ્વત્તાપૂર્ણ મનનીય વક્તવ્યમાં ભોજા ભગત વિશે જાણી-અજાણી વાતો કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભોજા ભકતનો જન્મ ઇ.સ.1785માં સૌરાષ્ટ્રના જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં લેઉવા પટેલ સમાજમાં કરશનભાઇ સાવલિયાને ત્યાં થયો હતો. પૂર્વજન્મની યોગસાધના અને ભકિત તેમને વારસામાં મળી હતી. રામચેતન નામના સંતે તેમને ગુરુમંત્ર અને દીક્ષા આપી હતી. દેવકીગાલોળથી આવીને અમરેલી પાસે ફતેહપુર ગામ વસાવી ત્યાં આશ્રમ સ્થાપ્યો. વીરપુરના સંતશ્રી જલારામના ગુરુ ભોજા ભક્તે 182 પદની રચના કરી છે, ગુજરાતી સાહિત્યમાં અધ્યાત્મચિંતન અને સમાજોત્થાન માટે રચાયેલાં આ પદોમાં તેમની સર્જકકલા પ્રગટે છે. ભોજાના ચાબખા વિશેષ ધ્યાનાર્હ છે.
આ પણ વાંચોઃ અમદાવાદઃ સંત કવિ રાજે અને બાપુસાહેબ ગાયકવાડ વિશે જાણીને શ્રોતાઓ થયા મંત્રમુગ્ધ
આ પણ વાંચોઃ સંત સાહિત્ય પર્વના બીજા દિવસે દલપત પઢિયારે રવિસાહેબ અને નિરંજન રાજ્યગુરુએ દાસી જીવણ વિશે રસપ્રદ માહિતી આપી
આ પણ વાંચોઃ અમદાવાદઃ સંત સાહિત્યપર્વના અનોખા કાર્યક્રમનું આયોજન, જાણો ક્યાં સુધી લાભ લઈ શકશો?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD