ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ત્રણ ફેઝમાં અંદાજે રૂ. 11૦૦ કરોડના ખર્ચે ધરોઈ ડેમ રિજયન ડેવલપમેન્ટ સાકાર થશે

ગાંધીનગર, તા. 15 જુલાઈ, 2025: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતુ. ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.

ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ ‘આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે.

રાજ્યના જળાશયોમાં આવેલા નવાં નીરને પગલે ધરોઈ ડેમમાં આ વર્ષે 70.80 ટકા જેટલું નવું પાણી આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધરોઈ ડેમની તેમણે મુલાકાત લીધી હતી. ડેમ સાઈટની તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ડેમ સેફ્ટી અંગેની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.

રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત 22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના મળીને સમગ્રતયા 1124 જળાશયો આવેલા છે. આ જળાશયોમાંથી 1 MCMથી વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મે-2024માં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે તેમ ડેમ સેફ્ટી અંગેની આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું પણ પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ ગયું છે અને તે બધા ડેમ પણ સેફ સ્ટેજ પર છે તેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં 25થી વધુ જળાશયો 100 ટકા કે તેથી વધુ, 56 જળાશયો 70 થી 100 ટકા, 43 જળાશયો 50 થી 70% તેમજ 42 જળાશયો 25 થી 30 ટકા અને 40 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે તેની સંપૂર્ણ વિગતોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમની સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જણાવવામાં આવ્યું હતુ કે, સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી નિયમિત રીતે વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે શેર કરીને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન રાખવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાં હાલ 4889 મિલિયન ઘન મીટર પાણી છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કોણે ફટકારી છે સૌથી વધુ સદી? જાણો કોણ કોણ છે ટોપ-5માં

Back to top button