રાજસ્થાનમાં વરસાદથી ધરોઈ ડેમમાં 2,187 કરોડ લીટર નવા નીરની આવક
અત્યારે ચોમાસાની જમાવટ થઈ રહી છે. હવે આગામી પાંચ દિવસમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આગામી તારીખ 9 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ જાહેર કરાયું છે. આ દરમિયાન રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદ થતા છેલ્લા ત્રણ દિવસમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલા ધરોઈ ડેમમાં 2187 કરોડ લિટર નવા પાણીની આવક થઈ છે.
ધરોઈ ડેમમાં નવા નીરની આવક
ઉત્તર ગુજરાતના ચાર ડેમમાં ત્રણ દિવસમાં 2288 કરોડ લિટરની નવા પાણીની આવક થઈ છે..ગયા વર્ષે બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીનું સ્તર ઘટી ગયું હતું. આ ડેમો ઉપર જૂથ આધારિત પાણીની યોજનાઓ આવેલી છે. અને ગામડાઓને તેમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠાની યોજના દ્વારા પાલનપુર શહેર અને વચ્ચે આવતા ગામડાઓ તેમજ પાટણ જિલ્લાના શહેરોમાં અને ગામડાઓમાં ધરાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તો આ ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થશે. જો ડેમ ભરાઈ જશે તો આવનારા દિવસોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. જ્યારે ખેડૂતો પણ સારા ચોમાસાની આશા રાખી રહ્યા છે.