ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કેજરીવાલ પર અમેરિકા-જર્મનીની ટિપ્પણી બાદ ધનખરનો જવાબ: ન્યાયતંત્ર પર લેક્ચર ન આપો

Text To Speech
  • દેશની રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરે આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી, 29 માર્ચ: દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે બાર એસોશીએશનના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરે કેજરીવાલ પર અમેરિકા અને જર્મનીની ટિપ્પણી પર મોટું નિવેદન આપ્યું છે. કાર્યક્રમને સંબોધન કરતી વખતે દારૂ નીતિ કૌભાંડ સંબંધિત કેસનો ઉલ્લેખ કર્યા વિના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરે કહ્યું કે, “ભારતીય ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર છે. પરંતુ વિશ્વમાં કેટલાક એવા લોકો છે જેઓ અમારી ન્યાયિક પ્રક્રિયા પર અમને લેક્ચર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. દુનિયાએ અમને ન્યાયતંત્ર પર લેક્ચર ન આપવું જોઈએ.” તેમણે એમ પણ કહ્યું કે, નાગરિકતા (સુધારા) અધિનિયમ-CAA પર એક સ્ટોરી બનાવવામાં આવી રહી છે.”

ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરે વધુમાં કહ્યું કે, “જમીની વાસ્તવિકતાથી અજાણ દેશો ભારત જેવા સાર્વભૌમિક દેશને પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે કહે છે કે તે ભેદભાવપૂર્ણ છે. અમે તેમની અજ્ઞાનતાનું ખંડન કરીએ છીએ.” તેમણે કહ્યું કે, “CAA ભારતના પડોશમાં ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજારાયેલા લોકોને રાહત આપવાનું છે.” તેમણે હાઇલાઇટ કર્યું કે, “કોઇપણ વ્યક્તિને નાગરિકતાથી વંચિત કરવામાં આવી રહી નથી.”

રાષ્ટ્રવાદ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા માટે અપીલ

ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરે પણ લોકોને રાષ્ટ્રવાદ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા રાખવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એવો દેશ નથી જે અન્યના ધર્મગ્રંથોને અનુસરે છે. તેમણે યુવાનોને અપીલ કરી કે, તેઓ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર આવી બાબતો સામે બોલે. તેમણે યુવાનોને એવા દેશોને પાઠ ભણાવવાનું આહ્વાન કર્યું જેઓ તેમની અજ્ઞાનતાથી ભારતને ભાષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહત્ત્વનું છે કે, અમેરિકાએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે ભારતની ન્યાયિક વ્યવસ્થા પર ટિપ્પણી કરી હતી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે કેજરીવાલના કેસમાં ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહન આપીએ છીએ. આ પછી, ભારતે દિલ્હીમાં યુએસ મિશનના વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા હતા અને કેજરીવાલની ધરપકડ પર વોશિંગ્ટનની ટિપ્પણી પર સખત વિરોધ નોંધાવ્યો હતો. જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કેજરીવાલની ધરપકડની નોંધ લીધી હતી. આ પહેલા કેટલાક પશ્ચિમી દેશોએ CAA કાયદા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

આ પણ જુઓ: ભારતનો ચીનને કડક સંદેશ: ગમે તેટલું કરી લે, અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે

Back to top button