ધાનેરા અને દાંતીવાડા તાલુકાને નર્મદા યોજના આધારિત સિંચાઈ ના પાણી મળવાની શકયતા
- મંત્રી કુવરજી બાવળીયાએ દાંતીવાડા જળાશય યોજનાની મુલાકાત લીધી
- થરાદ ની નર્મદા મુખ્ય લાઈનમાં થી થરાદ થઈ રેલ નદી સુધી પાઈપ લાઈન નાખવાની તજવીજ
પાલનપુર : જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગુરૂવારે દાંતીવાડા ખાતે આવેલ દાંતીવાડા ડેમ ની મુલાકાત લીધી હતી તેમજ નર્મદા ની મુખ્ય નહેરથી ધાનેરા અને દાંતીવાડા તાલુકાને સિંચાઈ નો લાભ મળી રહે તે માટે પાઇપ લાઇન નાખવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દાંતીવાડા તાલુકાના અનેક ગામોમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને પશુપાલન રાખવું પણ મુશ્કેલ બની ગયું છે, તેમજ સિંચાઈ થઈ શકે તેવી પિયત વ્યવસ્થા ન હોવાને કારણે આજે હજારો ખેડૂતોના ખેતરો કોરા ધાકોર પડ્યા છે. ત્યારે તાજેતરમાં જ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા અને જળ સંપતિ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને ધાનેરા અને દાંતીવાડા તાલુકાને પણ નર્મદા યોજના આધારિત નહેર અથવા પાઇપ લાઇન દ્વારા પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે લેખીત રજૂઆત કરવામાં આવી હતી. આથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા એ ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને સાથે રાખી ગુરૂવારે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ સહિતના વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી, અને બન્ને ડેમની પરીસ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ એ પણ થરાદ ની નર્મદા મુખ્ય નહેર થી પાઈપ લાઈન નાખવામાં આવે તો ધાનેરા ની રેલ નદી સુધી પાણી પહોંચી શકે તે મુજબની નકશા દ્વારા સમજ આપી હતી.
સરકાર પાણી માટે તમામ પ્રયાસ કરી રહી છે
બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ સતત નીચે જઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે અને ગુરુવારે ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ પણ દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લઈ ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ખેડૂતો ને પણ સિચાઈ માટે પાણી મળી રહે તે માટે હકારાત્મક સંદેશ આપ્યો હતો તેમ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.
આ પણ વાંચો : બારડોલીમાં નેતાજીની જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી