

અમદાવાદઃ 10 સપ્ટેમ્બર 2024, શહેરના પૂર્વ વિસ્તાર નરોડાના કૃષ્ણનગરમાં અપહરણ અને મારમારીના ગુનામાં કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસે આવેલી હોટલમાં સંતાઈને બેઠેલા ધમા બારડ સોમવારે દબોચી લેવામાં આવ્યો છે. ગત 6ઠ્ઠી સપ્ટેમ્બરે ગાડીની ડીપર મારવા બાબતે ઝઘડો કરીને ધમા બારડે સાગરીતો સાથે મળી અન્ય એક કુખ્યાતના ગુનેગારના પુત્રનું અપહરણ કર્યું હતું. અન્ય ફરાર આરોપીઓની હજુ શોધખોળ ચાલુ છે.
પોતાના કરેલા ગુનાની પણ લોકો સામે માફી માંગી
કૃષ્ણનગર પોલીસે ધમા બારડને સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીની જગ્યાઓ પર લઇ જઇને સમગ્ર ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. જેમાં ધમા બારડ કૃષ્ણનગર પોલીસ આગળ ઘૂંટણીયે પડ્યો હતો તેમજ સમગ્ર વિસ્તારની અંદર હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળ્યો હતો. ધમા બારડે પોતાના કરેલા ગુનાની પણ લોકો સામે માફી માંગી હતી.કૃષ્ણનગર તેમજ નરોડા વિસ્તારમાં આતંક મચાવનાર ધમા બારડ પોલીસ સામે હાથ જોડતો નજરે પડ્યો હતો.
બુટલેગરના પુત્રનું અપહરણ કર્યુ હતું
ગત 6ઠ્ઠી સપ્ટેમ્બરની મોડી રાત્રે બૂટલેગર કિશોર લંગડાનો પુત્ર અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને કૃષ્ણનગર શ્યામ વિહાર ફ્લેટ નજીક કારમાં આવી રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારે છે? એમ કહી માર માર્યો હતો અને પછી એક બીજી મોટરકારમાં આવેલા શખ્સોએ તેનું અપહરણ કરી લઈ જઇ ફરીથી માર માર્યો હતો. બીજી તરફ બૂટલેગર પિતા કિશોરભાઇને જાણ થતાં બારડ અને તેની ગેંગને શોધવા માટે અડધી રાત્રે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લીધો હતો. બારડની ગેંગના વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. નરોડા પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સરકારની પહેલ, લોકો ફોન કરીને માહિતી આપી શકશે