ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત જિલ્લાનું ધજ ગામ બન્યું ભારતનું પહેલું ‘ઈકો વિલેજ’

  • આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું
  • સુરતના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે
  • ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી

સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે, ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ, પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે.

સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે

નાયબ વન સંરક્ષક આનંદકુમારના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ 2016માં ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરાયું હતું. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે.

આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું

સુરતથી 70 કિમી અને માંડવી તાલુકા મથકથી 27 કિલોમીટર અંતરે માલધા ગ્રુપ ગ્રામપંચાયતની હદમાં ધજ ગામ આવે છે. ગાઢ જંગલની વચ્ચોવચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું. ગામમાં અવરજવર માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા ન હતી. ગ્રામજનો જંગલ પેદાશો પર નિર્ભર હતા. જંગલ પેદાશ તેમની રોજગારી હતી. સામાન્ય રીતે ગામમાં કોઈનું મરણ થાય ત્યારે જંગલના લાકડાનો વધુ ઉપયોગ થતો હતો, આથી સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવ્યું અને લોખંડની સગડી મૂકી લાકડાનો વપરાશ પણ ઘટાડવામાં આવ્યો છે.

ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી

પર્યાવરણ સુધારણા અને પદૂષણ નિયંત્રણનું કામ કરવા ગુજરાત ઈકોલોજી કમિશને ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી છે. કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક, સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે.

હાલ GEC (ગુજરાત ઈકોલોજીકલ કમિશન)નું વન વિભાગ સાથે મર્જર થયું

નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું હતું કે, 2016માં ધજ ગામ ઈકો વિલેજ જાહેર થયા બાદ પર્યાવરણની જાળવણી માટે બાયોગેસ, ભૂગર્ભ જળ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સૌર ઊર્જા સંચાલિત સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગામના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત્ત બને એવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. હાલ GEC (ગુજરાત ઈકોલોજીકલ કમિશન)નું વન વિભાગ સાથે મર્જર થયું છે. આગામી સમયમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે વિકસાવવામાં આવશે.

પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જાળવતું ગામ

માંડવી ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર રવિન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, માંડવી ઉત્તર રેન્જનો કુલ કાર્ય વિસ્તાર 10 હજાર હેક્ટર છે. જેમાં 27 ગામડાઓ આવેલા છે. ગામના લોકો વન વિભાગ તરફથી સનદમાં મળેલ જંગલની જમીનમાં ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. ધજ ગામમાં ઘરે-ઘરે સોલાર લાઈટ, વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ જળ ટાંકા, ગોબર ગેસના યુનિટ અને સ્મશાન ગૃહ, મોબાઈલની ક્નેક્વિવિટી માટે ટાવર, પશુપાલન સાથે સંકળાયેલી મહિલા માટે દૂધમંડળી તેમજ ગામના ઘનકચરા માટે વર્ગીકૃત્ત ઘનકચરા યુનિટની સુવિધા વનવિભાગ દ્વારા મળી છે. ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો, અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કાર્યરત કરવામાં આવી છે.

Back to top button