DGP CID ક્રાઈમ ટીએસ બિષ્ટ પોલીસ સેવામાંથી નિવૃત, અમદાવાદમાં DCP ઝોન-1 તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે
IPS અધિકારી ટીએસ બિષ્ટ ગુરુવારે ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. ટીએસ બિષ્ટ DGP CID ક્રાઈમ એન્ડ રેલ્વે પદે કાર્યરત હતા. કર્તવ્યનિષ્ઠ અધિકારી ટીએસ બિષ્ટ ગુરૂવારનાં રોજ તેઓ નિવૃત થયા છે. ત્યારે DGP CID (ક્રાઈમ એન્ડ રેલ્વે)નો ચાર્જ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો છે. પોતાની સાદગી માટે જાણીતા નિવૃત DGP ટીએસ બિષ્ટને એટલી જ સાદગીથી ફેરવેલ આપવામાં આવી હતી. પોલીસ વડા આશિષ ભાટિયાએ તેમને શાલ ઓઢાડી, મોમેન્ટો આપી પોતાની ફરજમાંથી મુક્ત કર્યા હતા. આ સાથે જ DGP CID ક્રાઈમ એન્ડ રેલ્વેનો ચાર્જ આશિષ ભાટિયાએ સંભાળ્યો હતો.
જોકે પોલીસ વર્તુળમાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યુ હતું કે DGP અનિલ પ્રથમ કે જેઓ હાલ હ્યુમન ટ્રાફિકિંગ અને વુમન રિલેટેડ ઈશ્યૂ સંભાળી રહ્યાં છે, તેમને હવાલો કેમ સોંપાયો ન હતો.
ટીએસ બિષ્ટ 1985ની બેચના અધિકારી
1985 બેચના IPS અધિકારી, ઓગસ્ટ 2020માં CID ક્રાઈમ અને રેલવેના વડા તરીકે નિયુક્ત થયા પહેલા, બિષ્ટે રાજ્યભરમાં સેવા આપી હતી. તેઓ અમદાવાદમાં DCP ઝોન-1 તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તાજેતરમાં CID ક્રાઈમને કલોલના ડીંગુચા ગામના એક પરિવારના ચાર લોકોના મૃત્યુ અંગેની તપાસ સોંપવામાં આવી હતી, જેઓ કેનેડાથી અમેરિકામાં જતી વખતે થીજી જતાં મૃત્યુ પામ્યા હતા.
શુક્રવારે રાજ્યના ગૃહ રાજ્ય વિભાગ તરફથી એક આદેશ જારી કરવામાં આવ્યો હતો કે IPS ટીએસ બિષ્ટને 30 જૂન, 2022નાં રોજથી વય નિવૃત્તિની મંજૂરી આપવામાં આવે છે. ત્યારે ગઈકાલે IPS બિષ્ટને શાનદાર ફેરવેલ આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક અન્ય આદેશ જારી કર્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે CID ક્રાઈમ અને રેલવેની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ DGP આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે DGP ભાટિયા હાલ 8 મહિનાના એક્સટેન્શન પર છે, તેઓ 31 મેના નિવૃત થયા હતા.
ટી.એસ.બિષ્ટએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક જિલ્લાઓમાં વિવિધ પદો પર સેવા આપી છે. જેમાં જૂનાગઢ અને સુરેન્દ્રનગર ખાતે પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. આ ઉપરાંત રાજકોટ ખાતે નાયબ પોલીસ કમિશનર તરીકે અને એન્ટી કરપ્શન બ્યુરોમાં જોઈટ ડાયરેક્ટર તરીકે સેવા આપી છે. અમદાવાદ ખાતે સંયુક્ત પોલીસ કમિશનર તરીકે સેવા આપી છે. તદુપરાંત ગુજરાત કોમી રમખાણ સમયે ઉમદા ભૂમિકા ભજવી હતી.આ સિવાય તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ વહીવટ વિભાગના DG તરીકે સેવા આપી ચુક્યા છે.