ગુજરાતમાં DGGIના દરોડા, રાજકોટ તેમજ ગાંધીધામમાં તપાસ શરૂ


અમદાવાદ, 27 માર્ચ : ઘણા સમયથી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (DGGI)ની ટીમ દ્વારા પ્લાયવુડ અને સિરામિક ઉપરાંત સેનેટરી ગુડ્સના વેપારીઓ પર વોચ રાખવામાં આવતી હતી. જેના આધારે DGGIની ટીમે રાજકોટ અને ગાંધીધામમાં ડઝનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. જેમાં સિરામિક, પ્લાયવુડ અને સેનેટરી ગુડ્સ સંકળાયેલા વેપારીઓનો સમાવેશ થાય છે. આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓના ડઝનેક જેટલા સ્થળો જેમાં ફેક્ટરી, રહેણાક મકાન સહિત ઓફિસોમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન અધિકારીઓને કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને પુરાવાઓ પણ મળ્યા હતા. ઉપરાંત દરોડા દરમિયાન ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને જીએસટી ચોરીના પુરાવાઓ પણ મળ્યા હતા. જેના આધારે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. હજી આવનારા દિવસોમાં તપાસ દરમિયાન મોટી કરચોરી સામે આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં 10 કરોડની કરચોરી શોધી કાઢી છે. હાલ તપાસ ચાલી રહી છે.
અગાઉ પણ DGGIના અધિકારીઓએ જામનગરમાં મોટા પાયે દરોડા પાડીને કરચોરી શોધી કાઢી હતી. જ્યારે પેઢીના સંચાલકોની ધરપકડ કરી હતી. તે પછી પણ ત્રણ કેસ કર્યા હતા. ત્યારબાદ સેન્ટ્રલ એજન્સીઓએ અમદાવાદ, મુંબઈ અને નોઈડામાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી હતી. કચ્છ અને રાજકોટના વેપારીને ત્યાં ચાલી રહેલા દરોડા દરમિયાન તેમની સાથે સંકળાયેલા અમદાવાદના વેપારીઓ સુધી પણ તપાસનો રેલો પહોંચે તેવી સંભાવના છે.
આ પણ વાંચો :- લોકસભામાં ઈમિગ્રેશન બિલ થયું પાસ, અમિત શાહે કહ્યું – દેશ ધર્મશાળા નથી