કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતધર્મનવરાત્રિ-2022

કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ‘મા ખોડલની જય જયકાર’ના નાદ સાથે ઉમટી પડ્યા ભક્તો

Text To Speech

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા. નરેશભાઈ પટેલ દ્વારા રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થતાં જ 7-30 કલાકે નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મંદિર ઉપર ધ્વજારોહણ અને યજ્ઞ કરવામાં આવ્યો

પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા. પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી. આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય ક્ધવીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ લેઉવા પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આખી નવરાત્રી દરરોજ નવા શણગાર, ધ્વજારોહણ, આરતી અને યજ્ઞ થશે

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ ઉપરાંત જૂનાગઢ, જામનગર, વડોદરા, સુરત, અમરેલી, દામનગર, ભાવનગર, જેતપુર, ઉપલેટા, ગોંડલ, મોરબી, પંચમહાલ ખાતે પણ જાજરમાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારિવારિક માહોલમાં ખેલૈયાઓ ગરબે રમીને મા ખોડલની આરાધના કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button