પાલનપુર: પાલનપુરમાં શ્રી રામ સેવા સમીતી તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 1 જુલાઈને શુક્રવારે નિકળનાર છે. જેના આયોજન માટે મોટા રામજી મંદિર ખાતે મંદિરના મહંત તેમજ આયોજકો બેઠક યોજીને ભગવાન શ્રી રામની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળે તે માટે આખરી ઓપ આપી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શહેરના પરંપરાગત રાજમાર્ગો પર થઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાનું આગમન થશે. માર્ગમાં ઠેરઠેર ભક્તો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરાશે. જ્યારે માર્ગમાં ભક્તોને મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ કરશે. આ વિતરણ થનારા અંદાજે 900 કિલો જેટલા મગનું અત્યારે મહિલા સેવકો દ્વારા સફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે.
પાલનપુરમાં નિકળનારી રથયાત્રાનો રૂટ
શહેરના મોટા રામજી મંદિરથી નીકળી મોટી બજાર, નાની બજાર, ત્રણબત્તિ, ખોડા લીમડા, હનુમાન શેરી, ગઠામણ ગેટ, સુરેશ મહેતા ચોક, સરસ્વતિ ચોક, કુંવરબા સ્કુલ થી અયોઘ્યાનગર, ગોબરી રોડ, બહેરા મુંગા છાત્રાલય, અંબીકાનગર, સુરેશ મહેતા ચોક, સંજય ચોક, સીટીલાઈટ, ગુરૂનાનક ચોક બ્રિજ પર થઈ લાલ બંગલા, નવા લક્ષમીપુરા, સંસ્કાર વિદ્યાલય, જૂના લક્ષ્મીપુરા ગામ, રામજીનગર, બેચરપુરા, કૈલાશ મંદિર, કોલેજ રોડ, એરોમા સર્કલ હનુમાન ટેકરી, સુખબાગ રોડ, જી.આઈ.ડી.સી, મહારાણા પ્રતાપ ચોક, ગુરૂનાનક ચોક, રેલવે સ્ટેશન, સિમલા ગેટ, નગરપાલિકા આરોગ્ય ધામ, લક્ષમણ ટેકરી, વિજય ચોક, શક્તિનગર, બ્રિજેશ્વર કોલોની, મહીલા મંડળ, ટેલીફોન એક્સચેન્જ, દિલ્હી ગેટ થઈને નિજ મંદિર પરત ફરશે.
પાલનપુરમાં પહેલીવાર જગન્નાથ ભગવાનનું મોસાળુ ભરાશે
પાલનપુરમાં પહેલીવાર ભગવાન જગન્નાથજીનું મોસાળું ભરાશે. જેનો લાભ આ વર્ષે રમણીકલાલ મોહનલાલ જોષી (ચોકસી) પરિવારે લીધો છે.