દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં કાળિયા ઠાકોર સંગ રંગે રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ


- દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે
- કૃષ્ણ ભક્તો માટે અનેક સ્થળોએ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે
- દૂર દૂરથી હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો પગપાળા દ્વારકા આવી રહ્યા છે
દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં કાળિયા ઠાકોર સંગ રંગે રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તા.14 માર્ચના રોજ કૃષ્ણ નગરી દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે.
કૃષ્ણ ભક્તો માટે અનેક સ્થળોએ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે
ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો પગપાળા દ્વારકા આવી રહ્યા છે. પદયાત્રીઓને રહેવા,જમવા, આરામ કરવા સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અનેક સ્થળોએ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ, આગેવાનો દ્વારા સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા
વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ, આગેવાનો દ્વારા સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જેને અનુલક્ષીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. વ્યાસ, જિલ્લા કલેકટર , જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ આ વિસ્તારના જુદા જુદા સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. અહીં પદયાત્રીઓ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થા, રાત્રી રોકાણની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય સહિતની સુવિધાઓ નિહાળી હતી.
રોડની સાઈડમાં સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત અકસ્માતો ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રોડની સાઈડમાં સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત : ચેમ્પિયન્સ ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતા રાજ્યના બુકીઓને જલસા