દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના CM તરીકે લેશે શપથ, PM મોદી સહિત દિગ્ગજ નેતાઓ આપશે હાજરી


- NCP પાર્ટીના વડા અજિત પવાર પણ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
મુંબઈ, 5 ડિસેમ્બર: દેવેન્દ્ર ફડણવીસ આજે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ ત્રીજી વખત રાજ્યના CMનું પદ સંભાળશે. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5.30 કલાકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. તેમની સાથે અજિત પવાર પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે છે, જો કે તે હજુ સ્પષ્ટ નથી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ પણ ભાગ લેશે.
કાર્યક્રમમાં 42 હજારથી વધુ લોકો રહેશે ઉપસ્થિત
નવી સરકાર દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેનારી છે. ભાજપના નેતા પ્રસાદ લાડેએ કહ્યું કે, આ કાર્યક્રમમાં 42 હજારથી વધુ લોકો હાજર રહેશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી, 9-10 કેન્દ્રીય મંત્રીઓ, 19 મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રી પણ તેમાં ભાગ લેશે. 40 હજાર ભાજપ સમર્થકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજાર વીવીઆઈપી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અનેક ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહેશે.
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
શપથ ગ્રહણ સમારોહ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, 4 હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે 3,500 પોલીસકર્મીઓ અને 520 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ જૂઓ: Video : પંજાબની ઘટના બાદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને આડેહાથ લીધા, જૂઓ શું કહ્યું