વિકાસ સપ્તાહ: બોટાદ અને ભાવનગર જિલ્લામાં યોજનાઓનાં લોકાર્પણ – ખાતમુહૂર્ત થયાં
- અવસર છે રૂડો આજ આંગણે અને હૈયે હરખ ઘણો ઉભરાય છે
બોટાદ, 14 ઓકટોબર, સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભાવનગર ખાતે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના મંત્રી નિમુબેન બાંભણિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લામાં 44 કરોડથી વધુની રકમના 748 કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, 23 વર્ષ સુશાસનની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. ત્યારે આપણા સૌ માટે ગર્વની વાત છે કે સમગ્ર વિશ્વમાં ભારતની નોંધ લેવાઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં આપણું ગુજરાત એક પછી એક અનેક વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર આવ્યું છે. વડાપ્રધાને ગુજરાતમાં અને સમગ્ર દેશમાં કન્યા કેળવણીને પ્રાધાન્ય આપીને બેટી બચાઓ બેટી પઢાઓના દિશાનિર્દેશ કરીને દીકરીઓને બચાવવાનું અને તેમને ભણાવવાનું કાર્ય કર્યું છે. અગાઉના સમયમાં દીકરીઓનું શિક્ષણ અધવચ્ચેથી અટકાવી દેવામાં આવતું હતું, પરંતુ હવે તમામ કિશોરીઓ તમામ દીકરીઓ સુશિક્ષિત થાય તે દિશામાં નોંધપાત્ર કાર્ય થયું છે. સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સગર્ભા મહિલાઓને પોષણ મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલી છે, ત્યારે આપણે સૌ પણ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ.”તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ તકે મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, “બોટાદ અને ભાવનગર જિલ્લાને અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધુરા સંભાળી ત્યારથી જ રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. હાલ ગુજરાત સમગ્ર દેશમાં એક રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. સરકારની અનેક યોજનાઓનો લાભ દેશવાસીઓને મળી રહ્યો છે, અને તેમના જીવન ઉન્નત થઈ રહ્યા છે . વડાપ્રધાનના નેતૃત્વમાં દરેક મહિલા આગળ વધે તે માટે સતત કાર્યો કરવામાં આવી રહ્યા છે. સબ કા સાથ સબ કા વિકાસ થકી છેવાડાના માનવીઓને લાભાન્વિત કરાયા છે. આજના આ વિકાસ કાર્યોના લોકાર્પણ અવસરે બોટાદ જિલ્લાને પણ અનેક શુભેચ્છાઓ પાઠવું છું.”
44 કરોડથી વધુની રકમના 748 કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ વિભાગોની યોજનાઓ અંતર્ગત બોટાદ જિલ્લાના કુલ રકમ રૂ. 25.71 કરોડના 461 વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 18.40 કરોડના 287 વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પૈકી માર્ગ અને મકાન વિભાગની યોજનાઓ હેઠળ રૂ. 15.36 કરોડના 5 કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 6.09 કરોડના 4 કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ની યોજનાઓ હેઠળ રૂ. 7.26 કરોડના 245 કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 6.49 કરોડના 233 કામોનું ઈ-લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ હેઠળ રૂ. 1.54 કરોડના 210 કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 5.28 કરોડના 49 કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિંચાઇ વિભાગની યોજનાઓ હેઠળ રૂ. 1.55 કરોડના 1 કામનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજનાઓ હેઠળ રૂ. 0.54 કરોડના 1 કામનું ઈ-લોકાર્પણ કરાયું હતું.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બરવાળા જૂના નાવડા અને લાખેણી ખાતે કાર્યરત થનારી ત્રણ એમ્બ્યુલન્સનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાવમાં આવ્યું હતું. ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા સહિતના અધિકારીઓ તેમજ ચંદુભાઈ સાવલિયા સાહિત્યના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…80 કરોડની સંપતિ અને 400 પુસ્તકોના લેખકની આજે આવી હાલત કોણે કરી? જાણો