નેશનલ ડેસ્કઃ PM નરેન્દ્ર મોદીએ આઝાદીની 75મી વર્ષગાંઠના ઐતિહાસિક અવસર પર લાલ કિલ્લા પરથી દેશને 5 સંકલ્પ આપ્યા છે. તેમણે કહ્યું કે, આગામી 25 વર્ષમાં જ્યારે દેશ તેની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણે આ સંકલ્પોને પૂર્ણ કરવાના છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આવનારા 25 વર્ષો માટે આપણે સંકલ્પના 5 આધાર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 2047માં આઝાદીના 100 વર્ષ થશે ત્યારે આપણે તે પાંચ સંકલ્પ લઈને આઝાદી પ્રેમીઓના સપના સાકાર કરવા પડશે.’
PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, આપણે 5 મોટા સંકલ્પો સાથે ચાલવાનું છે. આ સંકલ્પોમાંથી એક વિકસિત ભારત હશે. બીજું એ છે કે ગુલામીનો કોઈ ભાગ કોઈપણ ખૂણામાં ન રહેવો જોઈએ. હવે આપણે 100 ટકા એ ગુલામીના વિચારોથી દૂર જઈ રહ્યા છીએ. જેણે આપણને જકડી રાખ્યા છે. ગુલામીની નાનીસૂની વાત પણ આપણે જોશું તો એમાંથી છૂટકારો મેળવવો પડશે. દુનિયા ક્યાં સુધી આપણને સર્ટિફિકેટ આપતી રહેશે. શું આપણે આપણાં પોતાના ધોરણો નક્કી ન કરીએ? કોઈ પણ સંજોગોમાં આપણે બીજા જેવા દેખાવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અમે જેમ છીએ તેમ મજબૂત ઊભા રહીશું. આ આપણો મિજાજ છે.
તેમણે કહ્યું કે, ત્રીજો સંકલ્પ એ છે કે, આપણને આપણાં વારસા પર ગર્વ હોવો જોઈએ. આ એ વારસા એવા છે, જેણે ભારતને એક સમયે સુવર્ણ સમય આપ્યો હતો. આ એ વારસો છે, જે સમયને છોડીને નવાને સ્વીકારી રહ્યો છે. આપણી વિરાસતમાં પર્યાવરણ જેવી જટીલ સમસ્યાનું સમાધાન છે. આપણી સંસ્કૃતિ એ છે જે જીવમાં શિવ અને કંકરમાં શંકરને જુએ છે. આપણી આ પરંપરા આપણને પર્યાવરણ સાથે કેવી રીતે જીવવું તે શીખવે છે.
જાણો શું છે પીએમ મોદીનો ચોથો સંકલ્પ
તેમણે કહ્યું કે ચોથો સંકલ્પ છે કે, દેશમાં એકતા અને એકજૂથ થઈને બધા રહે. દેશના 130 કરોડ દેશવાસીઓમાં એકતા હોવી જોઈએ. આ આપણો ચોથો સંકલ્પ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે દરેકનું સન્માન કરવું પડશે. શ્રમને સારી નજરથી જોવો જોઈએ અને કામદારોને માન આપવું જોઈએ.
દેશના નાગરિકનું વર્તન કેવું હોવું જોઈએ તે જણાવ્યું
પીએમે કહ્યું ,કે પાંચમો સંકલ્પ છે નાગરિકોનું કર્તવ્ય. વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ આમાંથી બહાર નથી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકશે જ્યારે આપણે આપણી ફરજો નિભાવીએ. જો સરકારની ફરજ છે કે દરેક સમયે વીજળી પહોંચાડવી, તો નાગરિકની ફરજ છે કે તે ઓછામાં ઓછાં યુનિટ ખર્ચ કરે. જો સરકાર સિંચાઈ માટે પાણી આપે છે તો શક્ય તેટલું પાણી બચાવવાની નાગરિકની ફરજ છે.
સ્ત્રીનું સન્માન કરવાનો સંકલ્પ કરો, કહ્યું – ખોટું કામ ન કરો
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓનું સન્માન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણાં વ્યવહારમાં થોડી વિકૃતિ આવી ગઈ છે. આપણે સ્ત્રીઓનું અપમાન કરીએ છીએ. શું આપણે રોજબરોજના જીવનમાં સ્ત્રીઓને અપમાનિત કરતી દરેક વસ્તુમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઈ શકીએ? દેશની પ્રગતિ માટે મહિલાઓનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે અને આપણે એવાં શબ્દો ન બોલવા જોઈએ, જે મહિલાઓનું અપમાન કરે છે.