દેવભૂમિ દ્વારકા : ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર ત્રણ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
દ્વારકા, 24 સપ્ટેમ્બર : દેવભૂમિ દ્વારકામાં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર ત્રણ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં છે. એક જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં રૂપિયા ત્રણ હજારની લાંચની ફરીયાદ કરવામાં આવી હતી. ફરીયાદીનું પાન કાર્ડ ખોવાઈ જતા બીજું પાન કાર્ડ ઓનલાઇન કઢાવેલ દરમિયાન બીજું પાન કાર્ડ મળી આવેલ. જેથી ફરીયાદી પાસે બે પાન કાર્ડ થઈ જતાં નવું પાન કાર્ડ રદ કરવા જતાં દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનીલ કુમાર મીનાએ રૂપિયા ત્રણ હજારની લાંચ માગેલ હતી. આ બાબતે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર મીના દ્વારા ફરીયાદીને જણાવ્યું કે પાંચ હજાર રૂપિયા નહીં આપે તો પેનલ્ટી રિચાર્જ તેમજ જેલની સજા થઈ શકે તેમ છે.
ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો
દરમિયાન આ સમગ્ર બાબતે ફરિયાદી દ્વારા આનાકાની કરવામાં આવતા રકઝકના અંતે 3 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ લાંચ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેણે આ અંગે જામનગર એસીબીને જાણ કરતા જામનગર એસીબી દ્વારા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરને ₹3,000 ની રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ કામગીરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ પીઆઈ આર.એન.વિરાણી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.