દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં નભ નિચોવાયું, ધોધમાર સવા નવ ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ગુરુવારે મેઘરાજાનો અવિરત રીતે મુકામ રહ્યો હતો અને જિલ્લાના તમામ ભાગોમાં બે થી 10 ઈંચ સુધી વરસાદ વરસી જતા અનેક સ્થળોએ પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી. મોટા જળાશયોમાં પણ નોંધપાત્ર માત્રામાં નવા નિરની આવક થઈ છે. દ્વારકામાં બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર સાડા સાત ઈંચ જેટલો વરસાદ વરસી જતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. દર્શનાર્થીઓ સહિત રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બે કલાકમાં જ 7 ઇંચથી વધુ પાણી પડ્યું
મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા તાલુકામાં સવારથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોરના વધુ તીવ્ર બન્યો હતો અને માત્ર ચાર થી છ વાગ્યા સુધીના સમયગાળામાં ધોધમાર સાડા સાત ઈંચ (183 મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે દ્વારકામાં આજે સાંજ સુધીમાં 239 મીલીમીટર જેટલું પાણી વરસે જતા દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આજના મુશળધાર વરસાદના પગલે દ્વારકાના ગુરુદ્વારા વિસ્તાર, ઇસ્કોન ગેટ, તોતાદ્રી મઠ સહિતના વિવિધ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા.
જિલ્લામાં સરેરાશ 25 ઇંચ વરસાદ થયો
આ સાથે આજરોજ ખંભાળિયામાં પણ વ્યાપક મેઘ મહેર વરસી હતી અને દિવસ દરમિયાન ભારે ઝાપટાનો દૌર અવિરત રીતે ચાલુ રહેતા સવા પાંચ ઈંચ (130 મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ સવારે 10 વાગ્યાથી નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને સાંજ સુધીમાં ચાર ઈંચ 100 મિલીમીટર પાણી પડી ગયું હતું. ભાણવડ પંથકમાં આજે કુલ દોઢ ઈંચ (36 મિલીમીટર) વરસાદ વરસ્યાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 839 મિલીમીટર, દ્વારકામાં 634 મિલીમીટર, ભાણવડમાં 418 મિલીમીટર અને કલ્યાણપુરમાં 469 મિલીમીટર સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 24 ઈંચ જેટલો થવા પામ્યો છે.