
ઉત્તરાયણ સમયે સૌથી ઘાતક સાબિત થઈ રહેલી ચાઈનીઝ દોરીના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યભરમાંથી વિવિધ સ્થાનો પર પોલીસના દ્વારા મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે. પતંગ રસિકો પોતાનો પતંગ કપાઈ ન જાય તે માટે કાચથી પાયેલી ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. જેમા ફસાવાથી અનેક પંખીઓ મોતને ભેટે છે તો બીજી તરફ કેટલાક કિસ્સામાં નાગરિકોના પણ મોતના બનાવો સામે આવ્યા છે, જેના સામે હાઈકોર્ટ પર સતત ટકોર કરી રહ્યું છે.
અમદાવાદમાં ઓનલાઈન વેચાણ
આ તરફ જો વાત અમદાવાદ શહેરની કરવામાં આવે તો અહીં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. કાલુપુર, ગોમતીપુર, જમાલપુર, શાહપુર, સરદારનગર, સારંગપુર, દરિયાપુરમાં ઘરે ઘરે ચાઇનીઝ દોરી વેચવામાં આવી રહી છે. તો અમદાવાદવાસીઓ માટે તો હોમ ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે. એટલું જ નહીં ઓનલાઈન પણ આ દોરીનું મોટું બજાર જોવા મળી રહ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 700 થી 800 ફીરકીઓ જપ્ત કરી છે.
ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
કચ્છના ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં એક શખ્સની ચાઇનીઝ દોરીની 36 ફીરકી સાથે ધરપકડ કરાઇ છે. તો સુરેન્દ્રનગરના જોરાવરનગરમાંથી પોલીસે ચાઇનીઝ દોરીની 244 ફીરકી સાથે વેપારીને ઝડપી લીધો છે. તો અમદાવાદમાં ઓનલાઇન ચાઇનીઝ દોરી વેચતા બે લોકોની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી 22 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી લીધી છે.
SOG એક્શનમાં આવ્યું
બનાસકાંઠા જિલ્લામાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે. કાંકરેજના થરામાંથી SOGએ 2 હજારથી વધુ ચાઇનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી દુકાન માલિકની ધરપકડ કરી છે. તો અમીરગઢના ઈકબાલગઢમાંથી પોલીસે 128 ફીરકી સાથે શખ્સને ઝડપ્યો છે.
4 હજારથી વધુ રીલ અને ફીરકી મળી
વડોદરા જિલ્લામાં 14 દિવસમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનાની 4355 રીલ અને 72 ફીરકી મળી પોલીસે કુલ રૂ.13.58 લાખનો જથ્થો પકડયો છે. 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી LCB, SOG,વડુ, પાદરા અને તાલુકા પોલીસે કુલ સાત શખસોની અટકાયત કરી હતી.
આખું ગોડાઉન
બાલાસિનોરમાંથી ચાઈનીઝ દોરીનું આખું ગોડાઉન ઝડપાયું જેમાં પોલીસને આ ગોડાઉનમાંથી કિં. રૂ. 21,28,180 ના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા 12,542નંગ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટની ટકોર
હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ અંગે સોગંદનાંમુ આપ્યું હતું. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને ડીજીપીએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમજ પ્રતિબંધિત દોરી વેચનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ સંબંધિત વિભાગને આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે માંજાના વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી. તેમજ પ્રતિબંધિત માંજાની ખરીદી અંગે તપાસ કરવામાં આવી રહી છે. અને આ મામલે પોલીસ કડકાઈથી કામ કરી હોવાની બાહેધરી રાજ્ય સરકારે હાઈકોર્ટને આપી હતી.
આ પણ વાંચો : ચાઇનીઝ દોરીની ફુલ ડિમાન્ડ, આ રીતે ફેક એકાઉન્ટથી ચાલી રહ્યો છે ધંધો