પાલનપુરમાં કરોડો રૂપિયા ખર્ચાયા છતાં વિકાસ કેમ દેખાતો નથી ?
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર વહીવટી મથક છે. શહેરમાં અત્યારે અનેક સમસ્યાઓ છે. પ્રજાની સુખાકારી વધારવામાં નિષ્ફળ ગયેલી પાલનપુર નગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ વિકાસના કામો પાછળ કર્યો છે. તો વિકાસ કેમ દેખાતો નથી.? તેઓ પ્રશ્ન પાલિકાના કોંગ્રેસના સદસ્ય આશાબેન રાવલે ઉઠાવ્યો છે.
આશાબેન રાવલે પ્રધાનમંત્રી મોદીને પાલનપુરમાં પધારી શહેરની દુર્દશા જોવા માટે તંત્રના અધિકારીઓ મારફતે આમંત્રણ પત્ર પાઠવ્યો છે. તેમને પ્રાંત અધિકારી પાલનપુર અને બનાસકાંઠા એસપીને આ પત્ર આપ્યો હતો. આ પત્રમાં તેમને જણાવ્યું છે કે, સને 2008માં 15મી ઓગસ્ટના રોજ પાલનપુર ખાતે તમે (નરેન્દ્રભાઈ) આવ્યા હતા. ત્યારે શહેરના વિકાસ માટે 111 કરોડ રૂપિયા પાલનપુર શહેરને ફાળવી આપ્યા હતા. ત્યારે શહેરીજનોએ સ્વચ્છ, સુંદર તેમજ સુવિધા સભર શહેરનું સ્વપ્ન શહેરીજનોએ જોયું હતું. પરંતુ તેને 14 વર્ષ વીતી ગયા પછી પણ શહેરની સ્થિતિ તદ્દન બિસ્માર, ભંગાર અને દયનિય બની રહી છે.
તૂટેલા રસ્તાઓ, ગંદકીના ઢગ, ડમ્પિંગ સાઈટ, પીવાના પાણી અને કચરા વાળા પાણીની હાડમારી જાણે શહેરની ઓળખ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમ જણાવીને શહેરની 16 જેટલી સમસ્યાઓને આ પત્રમાં એમને તંત્ર સમક્ષ મૂકી હતી. આમ બનાસકાંઠાની મુલાકાતે આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને પાલનપુર શહેરની મુલાકાત લેવા અને જાત નિરીક્ષણ કરવા આમંત્રણ આપીને શહેરની સમસ્યાઓ અનોખી રીતે રજુ કરી હતી.
આ પણ વાંચો: PM મોદીના આગમનથી નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ : ભૂપેન્દ્ર પટેલ
પાલિકામાં બેઠક મિનિટોમાં આટોપાય છે
પાલનપુર શહેરના પ્રશ્નો જ્યારે પાલિકાના સદસ્યો સામાન્ય સભામાં રજૂઆત કરવા માંગે છે. ત્યારે વિપક્ષી સભ્યોને સાંભળવામાં આવતા નથી. અને ગણતરીની મિનિટોમાં જ સત્તાધીશો સામાન્ય સભા પૂરી કરી દેતા હોય છે. ત્યારે શહેરીજનોની મુશ્કેલીઓને લોકશાહી ઢબે સદસ્યોને રજૂઆત કરવા દેવામાં આવતી નથી. લોકશાહી દેશમાં આ પ્રકારનું સત્તાધીશોનું વર્તન કેટલે અંશે યોગ્ય છે? જ્યાં વિપક્ષને બોલવાની તક પણ ઝુંટવી લેવાતી હોય?