ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાએંગે- ગાવા છતાં ભાજપમાં દાળ ન ગળતા કોંગ્રેસ તરફ ફંટાયા આ ગાયક

Text To Speech

હરિયાણા, 8 સપ્ટેમ્બર, 2024: શ્રી રામલલા મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે “જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે” ગીત દ્વારા દેશમાં લોકપ્રિય થયેલા ગાયક કનૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. કનૈયા મિત્તલે એવું કહ્યું હોવાનું સમજાય છે કે, તેમને ભાજપ તરફથી કોઈ ઑફર નથી એટલે હવે તેઓ કોંગ્રેસ સાથે વાતચીત કરી રહ્યા છે અને હરિયાણા ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે.

યાદ રહે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી ત્યારથી મંદિરનું ઉદ્દઘાટન થયું ત્યાં સુધી કનૈયા મિત્તલ દરેક જગ્યાએ, દરેક મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના વખાણ કરતા હતા.

પરંતુ હવે તેમણે સૂર બદલી નાખ્યો છે. કનૈયા મિત્તલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જો રામ મંદિરનું ઉદ્દઘાટન મનમોહનસિંહે કર્યું હોત તો પણ પોતે તેમના નામથી આ ભજન ગાત. મિત્તલના કહેવા મુજબ રામભક્તો માત્ર ભાજપમાં જ છે એવું નથી. કોંગ્રેસમાં પણ રામભક્તો છે.

કનૈયા મિત્તલે કહ્યું કે, ભાજપે મારા માટે કશું કર્યું નથી અને એટલે હવે હું કોંગ્રેસમાં જોડાવા માગું છું. પોતે ક્યારે કોંગ્રેસમાં જોડાશે એ વિશે આ ગાયકે સ્પષ્ટતા કરી નથી, પરંતુ એટલું જણાવ્યું કે હાલ વાતચીત ચાલી રહી છે. જો બધું બરાબર રહેશે તો હું કોંગ્રેસમાં જોડાઈશ તેમ કનૈયા મિત્તલે જણાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ મિત્તલને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડવા ટિકિટ આપશે.

જોકે, એક સમાચાર ચેનલ સાથે વાત કરતા કનૈયા મિત્તલે એવું પણ ઉમેર્યું કે, મારી મૂળભૂત વિચારધારા સનાતન સાથે જોડાયેલી છે. પક્ષમાં (અર્થાત કોંગ્રેસમાં) જો એવું લાગશે કે મારા સનાતન સિદ્ધાંત સાથે બાંધછોડ કરવી પડે એમ છે તો હું પાર્ટી છોડી દઈશ. મારું લક્ષ્યાંક સનાતનને સાથે રાખીને આગળ વધવાનું છે. રાજકારણનું સ્થાન અલગ છે અને ધર્મના પ્રચારનું સ્થાન અલગ છે. જો કોઈ પક્ષમાં જોડાઈને સનાતનને બળ મળતું હોય તો દરેક યુવાનોએ એ પક્ષમાં જોડાવું જોઈએ તેમ પણ મિત્તલે કહ્યું હતું.

આ પણ વાંચોઃ Paris Paralympics 2024 : જેવલિન થ્રોઅર નવદીપ સિંહે ગોલ્ડ જીત્યો

Back to top button