ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં 84 હજારના વ્યાજ સહિત 1.21 લાખ આપવા છતાં વ્યાજખોરે 32 લાખ રૂપિયાનો ચેક ભરી હેરાન કરતા ફરિયાદ

Text To Speech
  • ડીસામાં વધુ એક વ્યાજખોર સામે નોંધાઈ ફરિયાદ

પાલનપુર : ડીસામાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં વ્યાજે લીધેલા 84 હજારની રકમ 3% વ્યાજ સહિત 1.21 લાખ રૂપિયા પરત આપવા છતાં પણ વ્યાજખોરે 32 લાખ રૂપિયાનો ચેક બેંકમાં ભરી હેરાન કરતા ડીસા ઉત્તર પોલીસ પથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે. ડીસામાં શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા અતુલભાઇ પુરોહિત ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2015 માં તેમણે તેમના મિત્રો સાથે એક શોપિંગની જગ્યામાં ભાગીદારી કરતા પૈસાની જરૂર હોઇ તેમના મિત્રના કહેવાથી જલારામ મંદિર પાછળ આવેલ શ્રીજી આર્કેડમાં મનીષ પટેલ પાસેથી 3% ના વ્યાજે 84 હજાર રૂપિયાની રકમ લીધી હતી. જે રકમ બાદમાં તેમણે વ્યાજ સાથે 1,21,500/- પરત આપી દીધી હતી.

તે સમયે અતુલભાઈએ સિક્યુરિટી પેટે આપેલા ચેક અને પ્રોમિસરી નોટ પરત માંગતા તે નડિયાદ પડ્યા છે, તેઓ જશે ત્યારે લાવીને આપી દેશે તેમ કહી ચેક પરત આપ્યા ન હતા. અને બાદમાં વ્યાજ મેળવવા માટે મનીષ પટેલ અવારનવાર અતુલભાઈ પાસે ઉઘરાણી કરતા હતા. બાદમાં તેમણે 32 લાખ રૂપિયાનો એક્સિસ બેન્ક નો ચેક ભરતા બાઉન્સ થયો હતો. આમ વ્યાજે લીધેલી રકમ પરત આપવા છતાં પણ ખોટી રીતે હેરાન કરતા કંટાળેલા અતુલભાઈએ વ્યાજખોર મનીષ પટેલ સામે ડીસા ઉત્તર પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે વ્યાજખોરો સામે પોલીસે મુહિમ શરૂ કરતાં ડીસામાં પણ બે દિવસમાં વ્યાજખોરી મામલે બે ફરિયાદ નોંધાઇ છે.

Back to top button