ઈલોન મસ્ક દર મિનિટે 5,72,000 કમાતા હોવા છતાં પણ અંબાણી-અદાણીથી પાછળ!
- વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક ઈલોન મસ્ક પાસે 214 બિલિયન ડોલરની કુલ સંપતિ!
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક છે અને તેમની પાસે અપાર સંપત્તિ છે. ઈલોન મસ્કની કમાણી અંગે એક રસપ્રદ માહિતી બહાર આવી છે. જેમાં તેમની એક મિનિટથી લઈને અઠવાડિયા સુધીની કમાણીનો આંકડો આપવામાં આવ્યો છે. ફિનબોલ્ડ અનુસાર, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક દર મિનિટે લગભગ 6,887 ડૉલર એટલે કે રૂ. 5,72,000 કમાય છે. એક કલાક દરમિયાન તેમની કમાણી 4,13,220 ડોલર એટલે કે અંદાજે 3 કરોડ 43 લાખ રૂપિયા છે, જ્યારે એક સપ્તાહ દરમિયાન ઇલોન મસ્ક 9,917,280 ડોલર અથવા 82,00,00,000 રૂપિયા કમાય છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ઇલોન મસ્કની કુલ સંપત્તિ 214 બિલિયન ડૉલર છે. છેલ્લા 24 કલાક દરમિયાન તેમણે 8.39 અબજ ડોલરની કમાણી કરી છે. જોકે, આ વર્ષે તેમની નેટવર્થમાં ઘટાડો થયો છે. બીજી તરફ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે વધારો થયો છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આ વર્ષે કમાણીના મામલે ઇલોન મસ્ક અંબાણી અને અદાણીથી પાછળ છે.
અંબાણી અને અદાણીએ કેટલી સંપત્તિની કમાણી કરી ?
મુકેશ અંબાણીએ આ વર્ષ દરમિયાન 13.8 બિલિયન ડૉલર (રૂ. 11,45,79,33,00,000)ની કમાણી કરી છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 16 બિલિયન ડૉલર અથવા 13,28,46,96,00,000 વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ 100 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે મુકેશ અંબાણીની નેટવર્થ 110 બિલિયન ડોલર છે.
ઇલોન મસ્ક ઘણી કંપનીઓના માલિક
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક ટેસ્લા સિવાય ઘણી મોટી કંપનીઓના માલિક છે. તે ટેસ્લા(Tesla)માં 20.5 ટકા, સ્ટારલિંક(Starlink)માં 54 ટકા, સ્પેસએક્સ(SpaceX)માં 42 ટકા, X (અગાઉ ટ્વિટર)માં અંદાજિત 74 ટકા, બોરિંગ(Boring)માં 90 ટકા, XAIમાં 25 ટકા અને ન્યુરાલિંક(Neuralink)માં 50 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીઓના શેરમાં થયેલા વધારા અને ઘટાડા પર આધાર રાખીને તેમની નેટવર્થ વધે છે અને ઘટે છે.
બીજા અબજોપતિઓએ પણ સારી કમાણી કરી
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિઓ જેવા કે જેફ બેઝોસે આ વર્ષે $17.3 બિલિયન, બર્નાર્ડ આર્નોલ્ડે $12.8 બિલિયન, માર્ક ઝકરબર્ગે $45.6 બિલિયન અને બિલ ગેટ્સે $5.82 બિલિયનની કમાણી કરી છે.