કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

કચ્છના રણમાં જમીન માટે ધીંગાણુંઃ ગાડીઓ ભરીને આવેલા લોકોએ ધડાઘડ ફાયરિંગ કર્યું, એકનું મૃત્યુ

ભુજ, 16 મે 2024, કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ધડાધડ ફાયરિંગ થયું હતું. પાંચેક ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્તને ગાડીથી કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે પણ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ બનાવના આરોપીઓ હજુ ફરાર છે.

મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા ફાયરીંગ
કચ્છના રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. તે પૈકી દિનેશ કોલીને માથાના ભાગે ગોળી વાગતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેનું આજે સવારે મોત થયું છે. ભચાઉના શિકારપુર નજીક રણમાં ઘુડખર અભ્યારણ વિસ્તારમાં મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણામાં ત્રણ લોકો પર આરોપીઓએ બોલેરો ગાડી ચડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું. આ મામલે કાનમેરના ફરિયાદી મગનભાઈ સુજાભાઈ ગોહિલે સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે બપોરે ફરિયાદી સહિત 11 લોકો શિકારપુર નજીકના રણમાં આવેલા મીઠાના જૂના કારખાના પર ગયા હતા. દરમિયાન આરોપીઓ પાંચેક કાર લઈને આવ્યા હતા.

જગ્યા ખાલી કરી દેવાનું કહી ધમકી આપી
આરોપીઓએ મીઠાના જૂના કારખાનાવાળી જગ્યા ખાલી કરી દેવાનું કહી ધમકી આપી હતી. જે બાદ ત્રણ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ફરિયાદી સાથે આવેલ દિનેશ કોલીને માથાના ભાગે, મુકેશ બેચરા અને રમેશ હઠા ભરવાડને પગના ભાગે તેમજ વલીમામદને નાકના ભાગે ગોળી લાગતા ઈજાઓ પહોંચી હતી.હિંસક ધીંગાણામાં ઘાયલ થયેલા ચાર લોકોને સામખિયાળી અને ગંભીર ઈજા પામેલ એકને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ મામલે સામખિયાળી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો, જેમાં હવે ઘાયલ વ્યક્તિનું મૃત્યુ થતાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.સામખિયાળી પીએસઆઈ વી આર પટેલે ઘાયલ પૈકી એકના મૃત્યુની વાતને સમર્થન આપ્યું હતું. બનાવ હત્યાનો છે કે શું તે અંગે પીએમ રિપોર્ટ બાદ હકીકત કહી શકાય હાલ તપાસ ચાલુ છે. આરોપીઓની અટકાયત અંગે પ્રયાસો ચાલુ હોવાનું તેમણે કહ્યું હતું.

આ પણ વાંચોઃઅમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ

Back to top button