ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

શું દુબઈમાં કૃત્રિમ વરસાદના કારણે સર્જાઈ તારાજી? રેતાળ જમીન પર આટલો અચાનક વરસાદ પડ્યો કેમ?

  • દોઢ વર્ષનો કુલ વરસાદ થોડા કલાકોમાં જ વરસી પડ્યો
  • મુખ્ય રસ્તા, એરપોર્ટ, મેટ્રો થઈ ગયા પાણી-પાણી 

દુબઈ, 17 એપ્રિલ: રણના શહેર તરીકે ઓળખાતું દુબઈ હાલમાં પૂરનો સામનો કરી રહ્યું છે. પ્રખ્યાત શોપિંગ મોલ્સ પાણીથી ભરાઈ ગયા છે. પાર્કિંગમાં કાર તરતી જોવા મળી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. પરિસ્થિતિ એકદમ વિપરીત છે અને એરપોર્ટ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે અને રનવે પણ દેખાતો નથી. શહેરની ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ પણ ઠપ્પ થઈ ગઈ છે. આખરે આવી રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ પડ્યો કેમ? એ પ્રશ્ન બધાને થઈ રહ્યો છે. અચાનક પૂર આવ્યું કેમ? દરેકને આ પ્રશ્ન છે. હકીકતમાં, કેટલાક વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ વિજ્ઞાનના ઉપયોગમાં થયેલી ભૂલ છે, જેના કારણે આખા શહેરને પરિણામ ભોગવવું પડી રહ્યું છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, આ સમસ્યા કૃત્રિમ વરસાદ(Cloud seeding)ને કારણે ઉદ્ભવી છે.

વિજ્ઞાનીઓનું શું કહેવું છે?

વિજ્ઞાનીઓનું કહેવું છે કે, સોમવારે અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે પ્લેન ઉડાવવામાં આવ્યા હતા. ક્લાઉડ સીડીંગ એક એવી ટેકનિક છે જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. પરંતુ આ પ્લાન ત્યારે નિષ્ફળ રહ્યો જ્યારે કૃત્રિમ વરસાદ કરવાના પ્રયાસમાં વાદળ જ ફાટી ગયું. જેથી આ આખી યોજના નિષ્ફળ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે,  માત્ર થોડા કલાકમાં એટલો વરસાદ પડી ગયો, જેટલો દોઢ વર્ષમાં વરસતો હતો. જેની અસર એ થઈ કે આખું શહેર ડૂબી ગયું અને એવું ઘોડાપૂર આવ્યું કે દુબઈની આવી સ્થિતિ વિશે કોઈએ કલ્પના પણ કરી ન હતી. દુબઈ સિવાય અન્ય એક શહેર ફુજૈરાહમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં 5.7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

 

છેલ્લા 75 વર્ષના ઈતિહાસમાં આટલો વરસાદ ક્યારેય નથી પડ્યો: સ્થાનિકો 

આ વરસાદને કારણે રાસ અલ-ખૈમાહમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તે તેની કારમાં ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ તેની કાર જ પૂરના પાણીમાં વહી ગઈ. વિશ્વના સૌથી મોટા શોપિંગ સેન્ટરોમાંના એક મોલ ઓફ અમીરાતની દુકાનોની એવી હાલત થઈ કે છતો પરથી પાણી ટપકવા લાગ્યું. એટલું જ નહીં કેટલીક દુકાનોની છત પણ પડી ગઈ. દુબઈના હવામાનથી વાકેફ લોકોનું કહેવું છે કે, છેલ્લા 75 વર્ષના ઈતિહાસમાં આટલો વરસાદ ક્યારેય નથી પડ્યો. આ વરસાદને કારણે શારજાહ સિટી સેન્ટર અને દીએરા સિટી સેન્ટરને પણ નુકસાન થયું છે.

દુબઈ એરપોર્ટ પર વિમાનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પાણીમાં એટલા ડૂબી ગયા છે કે તેને બહાર કાઢવું ​​પણ શક્ય નથી. અનેક ઘરો અને કોલોનીઓ પાણી-પાણી થઈ ગયા છે. હાલમાં દુબઈ સત્તાવાળાઓએ ટેન્કર મોકલ્યા છે અને પંપ દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે. દુબઈમાં માત્ર 24 કલાકમાં 142 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે એક વર્ષમાં 94.7 મિલિયન વરસાદ પડે છે. આ રીતે માત્ર થોડા જ કલાકોમાં લગભગ દોઢ વર્ષ જેટલો વરસાદ પડી ગયો છે.

UAEમાં સામાન્ય રીતે બહુ ઓછો વરસાદ પડે છે. આખું વર્ષ લગભગ શુષ્ક હોય છે, સિવાય કે શિયાળાના અમુક મહિનાઓ સિવાય જ્યાં હળવો વરસાદ પડે છે. વરસાદ ઓછો છે, જેના કારણે ડ્રેનેજની વધુ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલું જ નહીં UAE સિવાય સાઉદી અરેબિયા, બહેરીન, કતાર જેવા દેશોમાં પણ ઓછો વરસાદ પડે છે. અરબી ખાડીના મોટાભાગના દેશોની આ જ સ્થિતિ છે.

આ પણ જુઓ: દુબઈના રણમાં વરસાદે મચાવી તબાહી: એરપોર્ટ થઈ ગયું પાણી-પાણી, ઓમાનમાં 18ના મૃત્યુ

Back to top button