ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમની મુશ્કેલીઓ વધી, સુપ્રીમ કોર્ટે તપાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

Text To Speech

નવી દિલ્હી – 18 ઓકટોબર :  ડેરા સચ્ચા સૌદાના વડા અને બળાત્કારના દોષી બાબા રામ રહીમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના મામલામાં રામ રહીમ વિરુદ્ધ નોંધાયેલા કેસ પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલ સ્ટે હટાવી દીધો છે. આ નિર્ણય સાથે જ રામ રહીમ વિરુદ્ધ આ કેસમાં ટ્રાયલ પ્રક્રિયા ફરી શરૂ થશે.

સુપ્રીમ કોર્ટની બેંચમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથન, હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલ સ્ટે ઉઠાવી લીધો છે. આ સાથે જ કોર્ટે રામ રહીમને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે.

આ મામલો બરગારીમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના અપમાન સાથે સંબંધિત છે, જેમાં રામ રહીમ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. માર્ચમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ મામલામાં ત્રણ કેસની તપાસ પર રોક લગાવી દીધી હતી, જેને હવે સુપ્રીમ કોર્ટે હટાવી દીધી છે. પંજાબ સરકારે હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રામ રહીમને દરેક ચૂંટણી પહેલા ફર્લો પર મુક્ત કરવામાં આવતા હતા, જેનાથી તેમને થોડી રાહત મળી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે અને હવે તેમની સામે નીચલી કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે.

પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે આ સંવેદનશીલ મામલામાં ન્યાય કરવો જરૂરી છે, કારણ કે તે ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો છે. સરકારે કહ્યું કે, તપાસ પર હાઈકોર્ટના સ્ટેના કારણે કેસની સુનાવણી ખોરવાઈ રહી છે અને ન્યાય પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. સરકારની દલીલો સ્વીકારીને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો સ્ટે હટાવી દીધો અને રામ રહીમ સામે નોંધાયેલા કેસોની સુનાવણી ફરી શરૂ કરવાનો માર્ગ સાફ કર્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે રામ રહીમ વિરુદ્ધ નીચલી કોર્ટમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ કેસ અત્યંત સંવેદનશીલ છે અને તેમાં ધાર્મિક લાગણીઓ સામેલ છે, રામ રહીમ પહેલાથી જ અન્ય કેસોમાં દોષિત છે, અને આ નવી ટ્રાયલ તેની કાનૂની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી શકે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આ બે સીટ માટે UBT શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ, જાણો શું છે MVAની સ્થિતિ

Back to top button