દેવભૂમિ દ્વારકામાં દબાણ દૂર કરવાની ઝુંબેશ, ચાર દિવસમાં 4.86 કરોડની જમીન દબાણ મુક્ત કરવામાં આવી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ખાતે દરિયા કિનારેથી દબાણ દૂર કરવાની કાર્યવાહી બુધવારથી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે અને ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા અને તેમની ટીમે જેસીબી અને અન્ય મશીનોની મદદથી દબાણ દૂર કરાવ્યું હતું. પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિત ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સમીર શારદા, હાર્દિક પ્રજાપતિ, કલ્યાણપુરના મામલતદાર દક્ષા રિંદાણી સહિતની ટીમો તેમની સાથે તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં RSSની 337 શાખાઓ વધી !
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધીવીમાં ચાર દિવસમાં 4.86 કરોડની કુલ 11.09 લાખ ચોરસ ફૂટ જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. 11મી માર્ચે શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે મંગળવાર સુધીમાં મોટા પ્રમાણમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જિલ્લાના મહેસૂલ વિભાગ દ્વારા નોટિસ અપાયા બાદ કબજેદારોના બાંધકામ પર બુલડોઝર ચલાવવાની ચાર દિવસીય ઝુંબેશ મંગળવારે પૂર્ણ થઈ હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની હાજરીમાં હર્ષદ ગાંધવી મંદિર પાસે દરિયા કિનારે કેટલાક ભાગોમાં ચાર દિવસમાં કુલ 275 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં 215 રહેણાંક, 55 કોમર્શિયલ અને 5 ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. હર્ષદ ગાંધીવી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક પાંડે અને અન્ય જિલ્લાની પોલીસ ટીમ ઉપરાંત દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, કલ્યાણપુરના તહસીલદાર દક્ષા બેન રીંડાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.