ખાખી વર્દીનો રોફ જમાવવાનું નકલી પોલીસને ભારે પડ્યું
ઉત્તર પ્રદેશ, 02 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશના આગ્રામાં નકલી પોલીસ ઈન્સ્પેક્ટર ઝડપાયો છે. તે પોલીસની વર્દી પહેરીને લોકો સાથે ગુંડાગર્દી કરતો હતો. આટલું જ નહીં કેટલીકવાર તેણે વાહનોનું ચેકિંગ પણ શરૂ કર્યું હતું. છેલ્લા ચાર વર્ષથી લોકો તેને અસલી ઈન્સ્પેક્ટર માની રહ્યા હતા. પરંતુ હવે તેના રહસ્યનો પર્દાફાશ થયો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પકડાયા બાદ તે પોલીસની સામે ડરથી ધ્રૂજી રહ્યો હતો.
આરોપી માત્ર 5મું પાસ છે. કોરોના સમયગાળા દરમિયાન, તેણે 4,000 રૂપિયા ખર્ચીને વર્દી સિવડાવી હતી. ત્યારથી તે નકલી પોલીસ ઈન્સ્પેક્ટર બનીને ફરતો હતો. પરંતુ ગઇકાલે ગેરકાયદેસર રીતે ચેકીંગ લગાવીને વાહનોને અટકાવતો હતો ત્યારે કોઇએ પોલીસને તેની જાણ કરી હતી. જેથી આગ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને રંગે હાથે પકડી લીધો હતો.
પકડાયેલા આરોપીનું નામ દેવેન્દ્ર ઉર્ફે રાજુ છે. તે ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશનના અબુલ ઉલ્લાહ કટ ખાતે ગેરકાયદેસર વાહનોની તપાસ કરતો હતો. તેમજ ચેકિંગ દરમિયાન તે વાહનોમાંથી ગેરકાયદેસર રીતે નાણા એકત્ર કરી પોતાના ખિસ્સા ભરતો હતો. પોલીસને વાહનોના ચેકિંગની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે વર્દીમાં રહેલા વસૂલી કરનારની પૂછપરછ કરી. થોડી પૂછપરછ પછી ખબર પડી કે ઈન્સ્પેક્ટર નકલી છે. તેથી તેને પકડીને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન દેવેન્દ્રના તમામ રહસ્યોનો પર્દાફાશ થયો હતો. અને આગ્રાના રાજપુર ચુંગી વિસ્તારનો રહેવાસી હોવાનું પણ બહાર આવ્યું હતું.
તલાશી દરમિયાન દેવેન્દ્ર પાસેથી 2000 રૂપિયા મળી આવ્યા હતા. તેણે એક ડ્રાઈવર પાસેથી આ રકમ લીધી હતી. હાલ આરોપી દેવેન્દ્ર વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે હરિ પર્વત પોલીસ સ્ટેશનમાં ચોરીનો કેસ પણ નોંધાયેલો છે.
વર્દીનો રોફ જમાવતો હતો
દેવેન્દ્રએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તે વર્દી પહેરીને રસ્તાઓ પર નીકળતો હતો. વર્દીના કારણે તેને કોઈ રોકતું નહીં. આ જોઈને તેની હિંમત વધી ગઈ અને તેણે વર્દી પહેરીને ઓટો અને બસમાં ફ્રીમાં મુસાફરી કરવા લાગ્યો.
દેવેન્દ્રએ પોલીસને એમ પણ જણાવ્યું છે કે તે જે દુકાનો પર વર્દી પહેરીને ખરીદી કરવા જતો હતો ત્યાં તેને ડિસ્કાઉન્ટ મળતું હતું. આ બધા કારણો પછી તેની હિંમત એટલી વધી ગઈ કે તેણે ગેરકાયદેસર રીતે વાહનોમાંથી પૈસા પડાવવાનું પણ શરૂ કર્યું. હાલ દેવેન્દ્રને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે અને તેની સામે છેતરપિંડીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સૂરજ કુમાર રાયે જણાવ્યું કે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે ઓટો ચાલકોના ફોટા પાડીને અને ચલણની ધમકી આપીને ગેરકાયદે ખંડણી ઉઘરાવતો હતો. તેણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. આ ઉપરાંત, તેની પાસે ઇન્સ્પેક્ટર રેન્કના ત્રણ સ્ટાર પણ હતા.
આ પણ વાંચો : કોંગ્રેસ સાંસદે અલગ દેશ બનાવવાની કરી વાત, ખડગેએ કરી સ્પષ્ટતા