મઝાર પર ચાલ્યું બુલડોઝર, પણ માનતા પૂરી કરવા દોડી આવી હિન્દુ મહિલા; કિસ્સો જાણીને ચોંકી જશો

ઉત્તર પ્રદેશઃ 13 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશના દેવરિયામાં વહીવટીતંત્રે અતિક્રમણ હટાવવા માટે મઝાર પર બુલડોઝર ફેરવી દીધું છે. આ દરમિયાન એક હિન્દુ મહિલાની આસ્થાની એવી કહાની સામે આવી છે જે હાલ ભારે ચર્ચામાં છે.
શું છે સમગ્ર મામલો?
દેવરિયામાં રેલવે ઓવરબ્રિજ પાસે સરકારી જમીન પર બનેલી અબ્દુલ ગની શાહ બાબાની મઝારને ગેરકાયદેસર જાહેર કરી વહીવટીતંત્રે તોડી પાડી છે. રવિવારથી શરૂ થયેલી આ બુલડોઝર કાર્યવાહી બે દિવસ સુધી ચાલી હતી. જોકે, આ તોડફોડ વચ્ચે મંગળવારે એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો જ્યારે દેવરિયાની રહેવાસી રાની તિવારી નામની મહિલા પોતાના પુત્ર સાથે ત્યાં પહોંચી હતી.
12 વર્ષ જૂની માનતા અને આસ્થા
રાની તિવારીની વાર્તા કોઈ ફિલ્મી કહાણી જેવી છે. 12 વર્ષ પહેલા જ્યારે રાની બીમાર હતી અને ડૉક્ટરોએ હાથ અધ્ધર કરી દીધા હતા, ત્યારે તેણે આ મઝાર પર પુત્ર પ્રાપ્તિ અને સ્વાસ્થ્ય માટે માનતા માની હતી. માનતા પૂરી થઈ અને તેને પુત્ર પણ થયો, પરંતુ સમય જતાં તે ગોરખપુર શિફ્ટ થઈ ગઈ અને ચાદર ચડાવવાનું ભૂલી ગઈ.
“જો મઝાર તૂટી જાત તો મનમાં વસવસો રહી જાત”
મંગળવારે જ્યારે રાનીને સમાચાર મળ્યા કે, મઝાર તોડી પાડવામાં આવી રહી છે, ત્યારે તે તાત્કાલિક ત્યાં દોડી આવી હતી. અત્યંત ભાવુક થઈને રાનીએ કહ્યું, “મને ડર હતો કે જો માનતા પૂરી કર્યા વગર મઝાર હટી જશે, તો કદાચ મારા પુત્ર સાથે કંઈક અશુભ થશે. જો આજે હું અહીં ન આવી હોત, તો આખી જિંદગી મારા દિલમાં એક કસક રહી જાત.” રાનીએ મઝાર કમિટીને ચાદર માટે પૈસા આપ્યા અને પ્રાર્થના કરીને પરત ફરી હતી.
વહીવટી કાર્યવાહીની વિગત
આ મઝાર સરકારી બંજર જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવી હતી. SDM કોર્ટના આદેશ બાદ ત્રણ બુલડોઝરની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં ઘટનાસ્થળે શાંતિ છે, પરંતુ રાની તિવારીની આ આસ્થાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.












