અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના આ વિસ્તારમાં ડેન્ગ્યુનો આતંકઃ સાવચેત રહેજો શહેરીજનો

  • ઉત્તર પશ્ચિમ ઝોનના પોશ ગણાતા વોર્ડમાં ઘાતક ડેન્ગ્યુનો આતંક
  • અમદાવાદમાં ફોગિંગની નબળી કામગીરીથી ખુદ મ્યુનિસિપલ કમિશનર ભારે નારાજ
  • અધિકારીઓને નક્કર કામગીરી માટે કડક તાકીદ કરી

અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો લોકોને તોબા પોકારાવી રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળા પર લગામ કસવા પ્રયાસો થઈ રહ્યા છે, જોકે ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્ટેમ્બર મહિનાના દસ જ દિવસમાં મ્યુનિસિપલ તંત્રના સત્તાવાર ચોપડે ડેન્ગ્યુના 218 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાં પણ ઉત્તર પશ્ચિમ ઝોનના પોશ ગણાતા થલતેજ વોર્ડમાં ડેન્ગ્યુ આતંક ફેલાવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉત્પાત

મચ્છરોના કારણે ઘાતક ડેન્ગ્યુ અને ઝેરી મેલેરિયા જેવા રોગ ઘરે ઘરે માંદગીના ખાટલા ઊભા કરી રહ્યા છે. શહેરીજનો છેલ્લા એક- દોઢ મહિનાથી ડેન્ગ્યુથી તોબા પોકારી ગયા છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના કેસ સવિશેષ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ, સરખેજ, ગોતા, ચાંદલોડિયા અને જોધપુર વોર્ડમાં ડેન્ગ્યુના વધતા કેસથી તંત્રમાં દોડધામ મચી છે, જોકે સૌથી વધુ કેસ થલતેજ વિસ્તારમાંથી મળ્યા છે. આ ઝોનનો થલતેજ વોર્ડ જાણે કે ડેન્ગ્યુગ્રસ્ત થયો છે. આ બાબતની ખુદ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને પણ ગંભીર નોંધ લીધી છે.

અમદાવાદના આ વિસ્તારમાં ડેન્ગ્યુનો આતંકઃ સાવચેત રહેજો શહેરીજનો hum dekhenge news

માત્ર 10 દિવસમાં નોંધાયા 218 કેસ

મ્યુનિસિપલ હેલ્થ વિભાગના 10 સપ્ટેમ્બર સુધીના રોગચાળાના સત્તાવાર રિપોર્ટ મુજબ ચાલુ મહિનાના દસ જ દિવસમાં ડેન્ગ્યુના શહેરમાં સત્તાવાર 218 કેસ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુના કેસમાં જબ્બર વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુના નવા 188 કેસ મ્યુનિ. તંત્રમાં નોંધાયા છે. આમાં પણ થલતેજ વોર્ડમાં 40થી વધુ કેસ થયા હોઈ આ વોર્ડમાં ડેન્ગ્યુએ લોકોને સૌથી વધુ પોતાનો શિકાર બનાવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા અને તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુના કેસ ઘટવાના બદલે વધી રહ્યા હોઈ તે મામલે સંબંધિત અધિકારીઓને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ડેન્ગ્યુના વધતા જતા કેસને નાથવા માટે આ અધિકારીઓએ કમિશનર એમ. થેન્નારસન સમક્ષ પ્લાન રજૂ કરવો પડશે. મચ્છરોનાં બ્રીડિંગના હોટસ્પોટને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવાની સૂચના પણ કમિશનર દ્વારા સંબંધિત અધિકારીઓને અપાઈ છે.

ફોગિંગની કામગીરીથી મ્યુનિ કમિશનરને અસંતોષ

મચ્છરો પર અંકુશ મૂકવા માટે શહેરમાં તંત્ર દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરાય છે. આ ફોગિંગની કામગીરીના મામલે અવારનવાર નાગરિકો ફરિયાદ કરતા રહ્યા છે. ફોગિંગ સંતોષજનક રીતે થતું ન હોવાની નાગરિકોની ફરિયાદો વચ્ચે ખુદ કમિશનર એમ. થેન્નારસન પણ ફોગિંગથી ભારે નારાજ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં ફોગિંગની કામગીરી જોવા મળતી નથી તેમ કમિશનરે ઉચ્ચ અધિકારીઓની તાજેતરની બેઠકમાં સોય ઝાટકીને કહેતાં આ કામગીરી સાથે સંકળાયેલા મેલેરિયા વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ભારે ગભરાટ પ્રસરી ગયો હતો.

મેલેરિય ડેન્ગ્યુ માટે ખાસ સ્ટ્રેટેજી બનાવવા પર ભાર મુકાયો

મેલેરિયા અને ડેન્ગ્યુને નાથવા ખાસ સ્ટ્રેટેજી બનાવવાની બાબત ઉપર પણ કમિશનરે ભાર મૂક્યો છે. તેના માટે નક્કર આયોજન ઘડી કાઢીને આગામી બેઠકમાં તે રજૂ કરવાની કડક તાકીદ પણ મ્યુનિ. કમિશનરે સંબંધિત અધિકારીઓને કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન ઉપરાંત ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારો પણ ડેન્ગ્યુગ્રસ્ત બન્યા છે. દસ દિવસમાં જ 218 કેસ નોંધાયા હોઈ મહિનાના અંત સુધીમાં જો ફોગિંગ સહિતની કામગીરી અસરકારક રીતે નહીં થાય તો 850થી પણ વધુ કેસ નોંધાઈ શકે છે. કમિશનરે બ્રીડિંગ મળતી જગ્યા પર અત્યારે વસૂલાતા વહીવટીચાર્જનું પ્રમાણ વધારવાનો પણ નિર્દેશ તંત્રને આપ્યો છે.

આ પણ વાંચોઃ પૃથ્વી કરતાં 8 ગણો મોટો આ ગ્રહ પાણીથી ભરેલો, નાસાના ટેલિસ્કોપે મોકલી તસવીર

Back to top button