ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સત્યાગ્રહ છાવણીમાં 72 સરકારી સંગઠનોનું શક્તિ પ્રદર્શન

Text To Speech

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાન સભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. તો બીજી તરફ સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે. સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતા રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માંગ સાથે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં. આજે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગુજરાતભરમાંથી કર્મચારીઓ ઊમટી પડ્યા છે.તારીખ 1લી એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. એને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. જેનો વિરોધ રાજ્યના 72 જેટલા કર્મચારી મંડળો એકત્ર થઈને કરી રહ્યા છે.

કર્મચારી મંડળોની મુખ્ય પાંચ માંગણીઓ
સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિવિધ પડતર માંગણીઓના સંદર્ભમાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના 72 જેટલા કર્મચારી મંડળો એકત્ર થયા છે. એક સંયુકત્ત મોરચાની રચના કરાઈ છે. જેમાં આરોગ્ય, શિક્ષણ તથા પંચાયત સહિતના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારી મંડળોની મુખ્ય પાંચ માંગણીઓ છે, જેમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના લાભો ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની સર્વિસ પણ સળંગ કરવી અને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, તેનો સમાવેશ થાય છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ
નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવનનિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કર્મચારીઓમાં ઊઠી છે.તાજેતરમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. એને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યા છે.

ગુજરાતભરમાંથી કર્મચારીઓ ઊમટી પડ્યા છે ગાંધીનગર

હજારોની સંખ્યામાં વિવિધ સંગઠનના કર્મચારીઓનો વિરોધ
સંયુક્ત મોરચાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓ ગાંધીનગર એકઠા થવા લાગ્યા છે, જેમાં કેટલાક ઉચ્ચ નિવૃત્ત અધિકારીઓ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા છે. નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં આજે વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Back to top button