કોંગ્રેસના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા અને પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની માંગ, જાણો શું છે સમગ્ર મામલો
- લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કોંગ્રેસે ગેરંટી કાર્ડ યોજનાનું વચન આપ્યું હતું. આ અંગે પિટિશન દાખલ કરવામાં આવી છે. જો કે ચૂંટણી પંચે આ મામલે કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો છે
પ્રયાગરાજ, 09 ઓગસ્ટ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં કોંગ્રેસના 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા અને પાર્ટીના ચૂંટણી ચિન્હને જપ્ત કરવા સાથે પાર્ટીના રજિસ્ટ્રેશનને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં વોટના બદલામાં 8500 રૂપિયાનું વચન આપ્યું હતું. આ નિયમોની વિરુદ્ધ છે.
કોણે કર્યો વિરુદ્ધ?
સામાજિક કાર્યકર્તા ભારતી સિંહે એડવોકેટ ઓપી સિંહ અને શાશ્વત આનંદની મદદથી પીઆઈએલ દાખલ કરી છે. પીઆઈએલની સુનાવણી આવતા સપ્તાહે થવાની શક્યતા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ લોકોને ગેરંટી કાર્ડ યોજના વિશે જણાવ્યું હતું. આ અંતર્ગત ચૂંટણી પછી જુલાઈ મહિનાથી ગરીબ, પછાત, દલિતો અને લઘુમતીઓના બેંક ખાતામાં દર મહિને 8500 રૂપિયા જમા કરાવવાનું વચન આપવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પછી આપેલું વચન સાવ જૂઠું નીકળ્યું છે.
દર મહિને પૈસા આપવાનું આપવામાં આવ્યું હતું વચન
અરજીમાં જણાવાયું છે કે, આ વચન સાથે કોંગ્રેસ સહિતના સાથી પક્ષોને મત આપનારને દર મહિને રૂપિયા આપવાની બાંયધરી આપવામાં આવી હતી. આ ગેરંટી કાર્ડમાં વોટના બદલામાં પૈસા આપવાની લાલચ આપવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીની આ ગેરંટી કાર્ડ પર અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના હસ્તાક્ષર છે. આ સાથે, એક સ્વીકૃતિ રસીદ પણ છે, જે લોકોને વિશ્વાસ આપે છે કે તેમને મતદાન કર્યા પછી પૈસા મળશે. ચૂંટણી પંચે 2 મે 24ના રોજ આ અંગે એડવાઈઝરી પણ જારી કરી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનો અમલ કર્યો ન હતો.
ચૂંટણી પંચે ન લીધાં કોઈ પગલાં
અરજદારનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીનું આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 121 (1) (A)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ સાથે તે ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય દંડ સંહિતા હેઠળ સજાપાત્ર ગુનો છે. અરજદારે ચૂંટણી પંચને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, પરંતુ પંચે કોઈ કાર્યવાહી કરી ન હતી, ત્યારબાદ આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાને મળ્યા જામીન, 17 મહિના પછી આવશે જેલમાંથી બહાર