ગુજરાત

રાજ્યની ગૌશાળાઓમાં આશ્રિત પશુધનને બચાવવા માંગ

Text To Speech

સરકારે અગાઉ ₹500 કરોડ જાહેર કર્યા હતા પણ એક પણ રૂપિયો સંચાલકોની ચુકવ્યો નથી. દેશભરમાં મોંઘવારી અને આર્થિક મંદીની અસર દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે ત્યારે દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતા ગૌશાળા અને પાંજરાપોળો માં આશ્રય લઈ રહેલા ગૌવંશ સહિતના પશુધન ની હાલત ખૂબ જ ગંભીર બની જવા પામી છે.સરકારે અગાઉ પણ રૂપિયા 500 કરોડની જાહેરાત કર્યા બાદ એક પણ રૂપિયો ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.આ અંગે સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખી સાત દિવસમાં સહાય ચૂકવવામાં નહીં આવે તો પશુધનને નજીકની સરકારી કચેરીઓમાં છૂટા મૂકી દેવાશે તેવી ચિંકી ઉચ્ચારી છે.

Animal Welfare Organisation
ગૌશાળાના સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખી સાત દિવસમાં સહાય માટે માંગ કરી

ગુજરાતભરમાં 1500 થી વધુ ગૌશાળાઓમાં 4.50 લાખથી વધુ ગૌવંશ સહિતના પશુઓ આશ્રય લઈ રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગૌશાળાઓ આવેલી છે. જિલ્લામાં કુલ 170 થી વધુ ગૌશાળાઓમાં 75,000 થી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. આ ગૌશાળાઓ પાંજરાપોળો દાતાઓની દાનની સરવાણીના સહારે ચાલતી હતી પરંતુ કોરોના મહામારી બાદ પ્રવર્તી રહેલી આર્થિક મંદીના કારણે દાતાઓના દાન નો પ્રવાહ ખૂબ જ ધીમો પડી ગયો છે. ગૌશાળા પાંજરાપોળોમાં એક પશુના નિભાવવા માટે દૈનિક રૂપિયા 60 થી 70 જેટલો ખર્ચ થાય છે તે હિસાબે ગૌશાળા પાંજરાપોળોને લાખો રૂપિયાના દાનની કે સહાય ની જરૂર પડે છે. ત્યારે અબોલ જીવોના નિભાવ માટે સરકાર તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણાં વર્ષોથી ચાલતી હતી. જેના અનુસંધાને રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા ૨૦૨૨-૨૩નાં બજેટમાં રૂ.૫૦૦ કરોડની સહાય અંગે જાહેરાત કરાઈ હતી. આ યોજનાની જાહેરાત થતાં દાતાઓમાં સંદેશ પહોંચતા ગૌશાળામાં દાનનો પ્રવાહ અચાનક સ્થગિત થઇ ગયેલ છે.જયારે બીજી બાજુ સરકાર તરફથી જાહેરાત બાદની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી.તે બાબતે સંચાલકો દ્વારા રૂબરૂ મળી તેમજ લેખિતમાં વારંવાર રજુઆત કરી છે તેમ છતાં આજદિન સુધી કોઈ પરિણામલક્ષી કાર્યવાહી થયેલ નથી. હાલમાં દરેક સંસ્થાઓ પાસે રોજેરોજ પશુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેનો ખર્ચ પણ વધી રહ્યો છે.


તો બીજીબાજુ ઉધારમાં મળતું ઘાસ પણ હવે મળતું બંધ થઇ ગયું છે જેથી ગુજરાતભરના સંચાલકો ભારે મૂંઝવણમા છે. આથી સંચાલકો દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખી બજેટમાં કરેલી જાહેરાત મુજબ તાત્કાલિક સંસ્થાઓને સહાયની ચુકવણી કરવા માંગ કરી છે. જો સરકાર તરફથી દિન ૭ માં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહિ પહોચે તો સંસ્થાઓમાં આશ્રિત પશુઓ માટેનો ઘાસચારો ખૂટી જતા તબક્કાવાર સંસ્થાઓએ ગૌવંશ સહિતના જીવોનું જીવન બચાવવા માટે પશુઓને લઈને નજીકની સરકારી કચરીઓએ લાવી લોકો પાસેથી આર્થિક સહાય તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરવા મજબુર બનવું પડશે તેવી ચીમકી પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે આથી સરકાર આવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલા ત્રણ માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોચે તેવી વ્યવસ્થા કરે એ ઇચ્છનીય છે.

Back to top button