પાલનપુરમાં સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ
પાલનપુર : બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા દ્વારા જુની પેન્શન યોજના શરૂ કરવા અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે શનિવારે મહારેલી નીકળી હતી. જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડ્યા હતા. આ રેલીમાં 32 મંડળના કર્મચારીઓનું સમર્થન મળ્યું હતું. જુની પેન્શન યોજના કર્મચારીઓનો અધિકારને લઈને સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે.
જેમાં કર્મચારીઓના 15 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કર્મચારીઓ શનિવારે રસ્તા પર ઉતર્યા હતા. અને બપોરે 2 વાગે જહાંનારા બાગથી વિશાળ રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલીમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ મંડળોના ખૂણે ખૂણેથી કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા. દોઢથી બે કિલોમીટર લાંબી આ રેલીમાં સરકારી કર્મચારીઓએ હાથમાં બેનર અને પ્લે કાર્ડ લઈને તેમના પડતર પ્રશ્નોનો નિકાલ કરે અને સરકાર ન્યાય આપે તે માટે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કર્યું હતું.
આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં મોરચાના હોદ્દેદારોએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નિર્ધારિત કરેલા કાર્યક્રમ પ્રમાણે આંદોલન આગળ ધપશે.
આ પણ વાંચો : ડીસા : હિન્દુ સમાજની આક્રોશ રેલીમાં પોલીસનો લાઠીચાર્જ, મુસ્લિમ વિસ્તાર તરફ જવા માટે પ્રયાસ થતા બની ઘટના