ન્યૂયોર્કમાં ટ્રમ્પના બિઝનેસ પર પ્રતિબંધ મૂકવાની માંગ
- ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમના રિયલ એસ્ટેટ બિઝનેસ વિશે ખોટું બોલીને $100 મિલિયનથી વધુ કમાણી કરવાનો લાગ્યો છે આરોપ.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે છેતરપિંડીના કેસમાં તપાસ શરૂ થઈ ગઈ છે. તે સોમવારે ન્યૂયોર્કની કોર્ટમાં હાજર થયા હતા. ટ્રમ્પ પર તેમના રિયલ એસ્ટેટ બિઝનેસ વિશે ખોટું બોલીને $100 મિલિયનથી વધુ કમાવાનો આરોપ લાગ્યો છે. ન્યૂયોર્કના એટર્ની જનરલે તેમની સામે આ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલાં તેમની ઈચ્છા મુજબ બેંક લોન અને સસ્તા ઈન્સ્યોરન્સ પ્રિમિયમ મેળવીને 2011 થી 2021 સુધીમાં તેમની સંપત્તિમાં ઝડપથી વધારો કર્યો છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલે કોર્ટમાં શું માંગ કરી?
એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર ઓછામાં ઓછા $250 મિલિયનનો દંડ, તેમના અને તેમના પુત્રો ડોનાલ્ડ જુનિયર અને એરિક પર ન્યૂયોર્કમાં વેપાર કરવા પર પ્રતિબંધ અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન પર રિયલ એસ્ટેટ કરવા પર 5 વર્ષનો પ્રતિબંધ મુકવાની કોર્ટમાં માંગ કરી છે.
ટ્રમ્પે આ કેસને કૌભાંડ અને રાજકીય બદલો ગણાવ્યો
ઘણા સાક્ષીઓની જુબાની બાદ મેનહટન કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. તેમાં ડોનાલ્ડ બેન્ડર પણ હાજર હતા, જે મઝાર્સ યુએસએમાં ભાગીદાર છે અને રાજ્યના પ્રથમ સાક્ષી તરીકે ટ્રમ્પના વ્યવસાય માટે લાંબા સમયથી એકાઉન્ટન્ટ છે. સુનાવણી શરૂ થાય તે પહેલા ટ્રમ્પે મીડિયાને કહ્યું કે આ મામલો સ્કેમ અને શેમ છે. આ જેમ્સ દ્વારા રાજકીય વેર છે. લંચ બ્રેક દરમિયાન, તેણે લેટિટિયા જેમ્સને ભ્રષ્ટ અને લોકોને ન્યૂયોર્કમાંથી ભગાડવા માટે ભયંકર ગણાવ્યા હતા.
ટ્રમ્પે જજ પર પણ પ્રહારો કર્યા
ડોનાલ્ડ ટ્રમ્પે જજ આર્થર એન્ગોરોન પર પણ જોરદાર પ્રહાર કરતાં કહ્યું કે ન્યાયાધીશ પક્ષપાતી ડેમોક્રેટ છે અને 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવા માટે આ કેસનો ઉપયોગ કરી રહ્યા છે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું, “આ એક જજ છે જેને બરતરફ કરવો જોઈએ. આ એવા જજ છે જેમને પદ પરથી હટાવી દેવા જોઈએ,”
ટ્રમ્પના વકીલે આરોપોને ખોટા ગણાવ્યા
ટ્રમ્પના વકીલ ક્રિસ્ટોફર કિસે પોતાના પ્રારંભિક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પની નાણાકીય સ્થિતિ સંપૂર્ણપણે કાયદેસર છે. ટ્રમ્પ પર લગાવેલા તમામ આરોપો ખોટા છે.
આ પણ વાંચો : ન્યૂયોર્કમાં પ્રવાસી સંકટ ચરમસીમાએ ! હોટેલ હાઉસફુલ, મેયરે કહ્યું- વધુ જગ્યા નથી