પાલનપુર : ડીસાના ફાગુદરા રોડ ઉપર પડેલો ખાડો પુરવા વાહન ચાલકોની માંગ
પાલનપુર : ડીસા તાલુકાના ફાગુદરા અને મોટી રોબસ વચ્ચેથી પસાર થતી નર્મદાની પાઇપલાઇન દરમિયાન રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રોડની સાઈડમાં ખોદવામાં આવેલો ખાડો પુરવામાં આવ્યો નથી. જેથી રાત્રિના સમયે આ ખાડો વાહન ચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થાય તો નવાઈ નહીં.
પાઈપ લાઈન દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડ્યો હતો
ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા થરાદ થી પસાર થતી મુખ્ય કેનાલમાંથી પાઈપલાઈન દ્વારા સીપુ ડેમમાં પાણી નાખવા માટે મસમોટી પાઈપ લાઈન નાખવાની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારે ડીસા તાલુકાના ફાગુદરા અને મોટી રોબસ ગ્રામ પંચાયત નજીકના રોડ વચ્ચેથી પાઈપ લાઈન જમીનમાં નાખવામાં આવી હતી. જે દરમિયાન મોટા પ્રમાણમાં રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. જો કે, પાઈપ લાઈનની કામગીરી હાલમાં પૂર્ણતાના આરે છે, ત્યારે ખોદવામાં આવેલ રોડને વ્યવસ્થિત રીતે પુરાણ પણ કરવામાં આવ્યું નથી.
જેથી રોડ ઉપર સામસામે વાહન આવે તો અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રોડ ઉપર મસમોટો ખાડો પડ્યો છે તેનું પુરાણ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત બાળકો પણ શાળાએ સાયકલ ઉપર પસાર થાય છે તેમજ અજાણ્યા વાસન ચાલકો ને આ ખાડો નજરે ન પડતાં અકસ્માત થવાની પુરેપુરી સંભાવના છે.
આ પણ વાંચો : ડીસામાં તસ્કરો બેફામ: વધુ બે દુકાનોમાંથી ચોરી