ભરૂચમાં કોંગ્રેસના નેતાઓની માંગઃ ઉમેદવાર કોઈ પણ હોય, નિશાન તો પંજાનુ જ જોઈએ
અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. જેમાં કોંગ્રેસ 2 અને AAP બે બેઠકો પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડવાની છે. હવે ભરૂચ બેઠક કોંગ્રેસના દિગ્ગજ અને દિવંગત નેતા અહેમદ પટેલનો ગઢ છે. આ બેઠક પરથી તેમના પુત્ર અને પુત્રીએ ચૂંટણી લડવા તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ ગઠબંધનની જાહેરાત થયા બાદ આ બેઠક પર બંને જણા નારાજ થયાં છે. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના સમર્થકોએ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે બાંયો ચઢાવી છે. ભરૂચ કોંગ્રેસના આગેવાનું કહેવું છે કે, ઉમેદવાર કોઈપણ હશે પણ નિશાન તો પંજાનું જ જોઈશે.
ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે વાતચીત શરૂ થઈ ગઈ
ભરૂચ બેઠક પર ગઠબંધન થયા બાદ ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો. ત્યાર બાદ હવે આ બેઠક પર કોંગ્રેસના કાર્યકરોએ હાઈકમાન્ડ સામે બાંયો ચઢાવી છે. કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે, ભરૂચમાં ઉમેદવાર કોઈપણ હશે પણ નિશાન તો પંજાનું જ જોઈશે. કારણ કે પંજાના નિશાન વિના આ ચૂંટણી શક્ય નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો પંજાનું નિશાન નહીં હોય તો કોઈપણ હદે જઈશું. આ માટે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. આ માટે ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે.
નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો
બીજી તરફ ભરૂચ બેઠક પર નક્કી થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, અમે ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાના છીએ. હું વિધાનસભાની ચૂંટણી પણ આમ આદમી પાર્ટીના ચિહ્ન પર જીત્યો છું. હવે નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો છે. અમારી પાર્ટી તથા કોંગ્રેસના આગેવાનોની જે લાગણી છે તે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશ અને આ મુદ્દે કોઈ નિર્ણય ચોક્કસ લઈશું. ભરૂચ બેઠક જીતીને અમે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરીશું. બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું છે કે કોઈપણ આવે ભરૂચ બેઠક ભાજપ પાંચ લાખના માર્જિન સાથે જીતશે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે જે નારાજ હોય તે ભાજપમાં આવી શકે છે.
આ પણ વાંચોઃકોંગ્રેસને ઝટકો, રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂરી થતાં જ નારણ રાઠવા ભાજપમાં જોડાયા