ગુજરાતમાં 3 વર્ષમાં હોમ લોન મંજૂરીની સંખ્યા વધીને બમણી થઈ ગઇ છે. જેમાં યુવા વ્યાવસાયિકોમાં લક્ઝરી મકાનની માગ વધી છે. તથા ઘટેલા વ્યાજ દરો અને ઘરની જરૂરિયાતના કારણે માગ વધી રહી છે. તેવામાં પાછલા 3 વર્ષમાં લોનની રકમ વધીને 2022-23માં રૂ.1.51 લાખ કરોડ થઈ ગઇ છે. કોરોનાકાળ પછી રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો ચમકારો દેખાયો છે.
આ પણ વાંચો: ખાનગી સ્કૂલોની ફી વધતા કેટલાક વાલીઓએ લીધો જબરદસ્ત નિર્ણય, મફતમાં મળવે છે શિક્ષણ
છેલ્લાં ત્રણ વર્ષમાં માંગમાં વધારો થયો
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષમાં હોમલોન મંજૂર કરવાનું પ્રમાણ બમણું થયું છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) દ્વારા જાહેર કરાયેલ તાજેતરના ત્રિમાસિક અહેવાલ મુજબ હાઉસિંગ ફાઈનાન્સ હેઠળની બાકી લોન 2019-20ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 77,065 કરોડથી વધીને 2022-23ના સમાન ક્વાર્ટરમાં 97 ટકા લેખે રૂ.1.51 લાખ કરોડ થઈ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં માંગમાં વધારો સૂચવે છે, જે મુખ્યત્વે કોવિડ-19 દ્વારા પ્રેરિત છે. ઘટેલા વ્યાજ દરો અને પોતાના ઘરોની જરૂરિયાત નવા ઘરોની માંગમાં વૃદ્ધિ માટે મુખ્ય પ્રેરક હતા.
પ્રોપર્ટીના ભાવમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ.300-500નો વધારો
આ વર્ષે એપ્રિલમાં જ ડેવલપર્સની સંસ્થા ક્રેડાઈએ સમગ્ર રાજ્યમાં પ્રોપર્ટીના ભાવમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ.300-500નો વધારો કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં 2022માં હોમ એફેર્ડેબિલિટી ઇન્ડેક્સ ઘટીને 22% થયો હતો. નવા ઘરની માલિકીની મહત્વાકાંક્ષા અને તેને અપગ્રેડ કરવાની ઈચ્છામાં વધારો થયો છે. વિદેશી નાગરિકો, બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો સાથે કામ કરતા અધિકારીઓ અને યુવા વ્યાવસાયિકોની આવકમાં વધારો થવાથી લક્ઝરી મકાન માટેની ભૂખ વધી છે. પરિણામે, પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટના ઘરોની માંગ મોટાપાયે વધી છે.