ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીઃ જાણો કેમ ગોલ્ડ પ્લેટેડ ડાયમંડ જ્વેલરીની માગ ઘટી

સુરત, 16 જુલાઈ 2024, શહેરના ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદીની અસર જોવા મળી રહી છે. જેની પાછળનું કારણ સોનાના વધતા ભાવ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. કારણ કે ગોલ્ડ પ્લેટેડ ડાયમંડ જ્વેલરી માગ ઘટી છે. રશિયા- યુક્રેન યુદ્ધથી પણ હીરા ઉદ્યોગ પર માઠી બેસી છે. હજુ એક મહિના સુધી સુરતના ડાયમંડ ઉદ્યોગને મંદીનો માર સહન કરવો પડશે અને પછી ધીમે ધીમે સ્થિતિ સુધરે તેવું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું કહેવું છે.

બે દેશોના યુદ્ધની અસર સુરતના હિરા ઉદ્યોગ પર પડી
સુરતમાં છેલ્લા ચાર મહિનાથી મંદીની અસર જોવા મળી રહી છે. સુરતના હીરા ઉદ્યોગમાં જે રફ ડાયમંડ આવે છે તે પૈકીનો મોટો હિસ્સો રશિયાથી આવે છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં અન્ય દેશોએ પણ ઝંપલાવ્યું છે અને તેના કારણે યુરોપિયન દેશો દ્વારા કેટલાક કડક નિયમોનો અમલ કરાતા ડાયમંડના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ઉપર પણ તેની અસર થઈ છે. રશિયા ઉપર અમેરિકા દ્વારા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તેના કારણે પણ હીરા ઉદ્યોગ ઉપર તેની અસર થઈ છે.

આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર હીરાની ડિમાન્ડ ઘટી
લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ એક મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી લેબગ્રોન ડાયમંડની માગણી વિશ્વભરમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી હતી. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે ડાયમંડ ઉદ્યોગ ઉપર અસર થતા હવે તે રેશિયો ઘટી રહ્યો છે અને સુરતમાં મંદીનો માહોલ સર્જાયો છે. હાલ સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઓવર પ્રોડક્શનનો સામનો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર હીરાની ડિમાન્ડ ઘટી છે અને સ્થાનિક સ્તરે પ્રોડક્શન વધી ગયું છે જેને કારણે મુશ્કેલી પડે છે.

સોનું મોંઘું થયું હોવાને કારણે જ્વેલરીની પણ ડિમાન્ડ ઘટી
હવે ધીરે ધીરે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગના યુનિટો પણ શરૂ થયા છે. સોનાના ભાવમાં ખૂબ વધારો થયો છે. જેના કારણે ગોલ્ડ પ્લેટેડ ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ ઘટી ગઈ છે. જ્વેલરીમાં જે સોનુ વપરાતું હતું તેમાં ડાયમંડનું વેલ્યુએશન કરી દેવામાં આવતું હતું. પરંતુ સોનું મોંઘું થયું હોવાને કારણે જ્વેલરીની પણ ડિમાન્ડ ઘટી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં યુરોપિયન કન્ટ્રીઓમાં ખરીદી વધુ જોવા મળતી હોય છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનાના અંતમાં જ્વેલરીની ડિમાન્ડ વધતી હોવાને કારણે ઓર્ડરો મળવાના શરૂ થઈ જાય છે. આશા છે કે, ડિસેમ્બર મહિનાના ઓર્ડર હવે મળવાના શરૂ થશે અને સુરતમાં જે હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ છે તેમાંથી બહાર આવી શકાશે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં શાકભાજીના ભાવ વધ્યા, ટામેટાની કિલોની કિંમત જાણી રહેશો દંગ

Back to top button