ઇન્ટરનેશ્લ ડેસ્કઃ શ્રીલંકામાં રાજકીય અને આર્થિક ઉથલપાથલ વચ્ચે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તાજેતરમાં જ દેશ છોડીને ભાગી ગયા હતા અને શ્રીલંકામાં નવી સરકાર ચૂંટાઈ હતી. રાજપક્ષે સિંગાપુર પહોંચી ગયા હતા, પરંતુ તેમની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન તેની સામે સિંગાપોરમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમની ધરપકડ કરવાની માગ કરવામાં આવી છે.
માનવાધિકાર ઉલ્લંઘનનો ગંભીર આરોપ
સમાચાર એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, દક્ષિણ આફ્રિકાના માનવાધિકાર જૂથે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ધરપકડની માંગણી કરતી ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમના પર માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો લગાવવામાં આવ્યા છે. શ્રીલંકામાં એલટીટીઇ સામે દાયકાઓથી ચાલેલા ગૃહયુદ્ધમાં તેમની ભૂમિકા બદલ રાજપક્ષેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.
રાજપક્ષે હાલમાં સિંગાપોરમાં છે
અહેવાલમાં જણાવાયું છે કે, દક્ષિણ આફ્રિકાના ઇન્ટરનેશનલ ટ્રુથ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટ ITJPના વકીલોએ સિંગાપોરના એટર્ની જનરલને યુદ્ધ અપરાધ માટે 73 વર્ષીય રાજપક્ષેની ધરપકડ કરવા માટે ફોજદારી ફરિયાદ સબમિટ કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકા છોડ્યા બાદ હાલમાં સિંગાપોરમાં છે. પરંતુ હવે અહીંની સરકારે તેમને દેશ છોડવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
સિંગાપોરમાં રોકાણની મુદત પૂરી થવાના આરે
સિંગાપોરના વહીવટીતંત્રે રાજપક્ષેને દેશ છોડવા માટે કહ્યું છે. અહેવાલો અનુસાર, વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમને સિંગાપોરમાં રહેવા માટે આપવામાં આવેલી 15 દિવસની છૂટને આગળ વધારી શકાશે નહીં.
ગોટાબાયાના રાજીનામા બાદ સિંગાપોરના પ્રશાસને પણ પૂર્વ રાષ્ટ્રપતિને આશ્રય આપવાની ના પાડી દીધી હતી. જો કે, તેમના સિંગાપોર આગમન બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેઓ અહીં અંગત મુલાકાતે પહોંચ્યા છે.
આ પણ વાંચોઃ
આર્થિક કટોકટી, સ્થિરતા, વિદેશી સહાય! ક્યાં જઈ રહ્યું છે શ્રીલંકા ?