જોઈતી ટીપ ન મળતાં ડિલિવરી ગર્લે ગ્રાહક સગર્ભા મહિલાને ચાકુના 14 ઘા મારી દીધા
ફ્લોરિડા, 27 ડિસેમ્બર, 2024: અમેરિકાના ફ્લોરિડામાં એક ખતરનાક કિસ્સો બન્યો છે. અહીં પીઝા ડિલિવરી કરવા આવેલી છોકરીએ તેને જોઈતી ટીપની રકમ ન મળતાં તેની સગર્ભા ગ્રાહક મહિલા ઉપર ચાકુથી 14 ઘા મારી દીધા હતા.
અહેવાલ મુજબ, બ્રાયના નામની 22 વર્ષની પીઝા ડિલિવરી ગર્લ ઈચ્છતી હતી કે તેને 2 (બે) ડૉલરની ટીપ મળે. જોકે ગ્રાહકે બે ડૉલરને બદલે ઓછી ટીપ આપતાં બ્રાયના ગુસ્સે થઈ ગઈ હતી. તે એ વખતે તો ત્યાંથી ચાલી ગઈ હતી પરંતુ રાત્રિના સમયે તેના બૉયફ્રેન્ડ સાથે બુરખો પહેરીને આવી હતી અને ગ્રાહક ઉપર ચાકુના ઘા ઝીંકી દીધા હતા.
આ ઘટના ફ્લોરિડાની એક મોટેલની છે. ત્યાં એક મહિલા તેના બૉયફ્રેન્ડ તથા પાંચ વર્ષની દીકરી સાથે જન્મદિવસ ઉજવી રહી હતી. તેણે એ દરમિયાન પીઝા ઓર્ડર કર્યો હતો. ડિલિવરી કરવા આવેલી 22 વર્ષની છોકરીને તેણે પીઝાના 33 ડૉલર ચૂકવ્યા પરંતુ ટીપમાં સાવ નજીવી રકમ આપી. તેનાથી નારાજ થઈ પરંતુ એ વખતે ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે કોઈ પુરુષની સાથે પરત આવી અને ગ્રાહક મહિલા જે ગર્ભવતી છે તેના ઉપર ચાકુથી ઉપરાઉપરી 14 ઘા કરી દીધા હતા. જોકે, અહેવાલ મુજબ આ મહિલા ઘાયલ થઈ છે પરંતુ તેનો જીવ બચી ગયો છે અને હુમલાખોર ડિલિવરી ગર્લની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ હુમલાની સૌથી ઘૃણાસ્પદ બાબત એ છે કે, ડિલિવરી મહિલાએ ગ્રાહકની પાંચ વર્ષની દીકરી ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન આરોપી અલ્વેનોએ ગ્રાહક મહિલાનો ફોન પણ તોડી નાખ્યો હતો. પીડિતાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આરોપી મહિલા તો પકડાઈ ગઈ છે પરંતુ તેની સાથે આવેલો તેનો સાથીદાર હજુ ફરાર છે. નોંધપાત્ર છે કે, સ્થાનિક કોર્ટે આરોપી મહિલાને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ મૃતદેહ પાસે ખાલી બેસવાનો પણ પગાર મળશે, બોલો કરવું છે એપ્લાય? તો વાંચો આ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD