ગુજરાત

દેશમાં સૌપ્રથમ વખત ડ્રોનથી ડિલિવરી, 47 કિલોમીટરનું અંતર માત્ર 25 મિનિટમાં કાપી 2 કિલોના પાર્સલની ડિલિવરી કરી

Text To Speech

PM નરેન્દ્ર મોદીએ  શુક્રવારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ડ્રોન મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. જેના બાદ તેમણે ડ્રોન પણ ઉડાવ્યુ હતું. પરંતુ ગુજરાતના છેવાડે આવેલા કચ્છ જિલ્લામાં એવુ કરાયું જે દેશમાં અત્યાર સુધી ક્યારેય થયું નથી. દેશમાં પહેલીવાર ડ્રોનના ઉપયોગથી ટપાલની હેરફેર કરવામાં આવી, અને તે પણ કચ્છમાં. આ પરીક્ષણમાં દિલ્હીની 4 સભ્યોની ટીમ પણ હાજર રહી હતી. આ ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે, ડ્રોનના ટપાલસેવા ચાલુ કરવામાં આવશે, જેથી ટપાલ સેવા ઝડપી બને. આ માટે અગાઉ પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામા આવ્યો હતો. જેના બાદ પરીક્ષણ હાથ ધરાયુ હતું.

2 કિલોનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિલોમીટર દૂર પહોંચ્યું
દેશમાં પ્રથમ વખત સૌથી મોટા અને સરહદી કચ્છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો હતો, પણ હવે એનો ઉપયોગ ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે થઈ રહ્યો છે. ડ્રોનથી ટપાલસેવાની શરૂઆત કરવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી અને 2 કિલોનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિલોમીટર દૂર પહોંચ્યું હતું.

ડ્રોન મારફત દવાઓનું પાર્સલ સફળ રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

ડ્રોન મારફત દવાઓનું પાર્સલ સફળ રીતે લેન્ડ
ડ્રોન મારફત ટપાલસેવા પહોંચતી કરવાના ટ્રાયલ બેઝના આધારે સફળ પરીક્ષણ કરાયું હતું. સવારે 9:11 કલાકે હબાયથી રવાના કરવામાં આવેલું પાર્સલ 9:36 કલાકે ભચાઉ તાલુકાના નેર ગામે પહોંચ્યું હતું, જ્યાં પોસ્ટ વિભાગની બીજી ટીમ પણ હાજર હતી. 25 મિનિટમાં હબાયથી નેર સુધીનું અંદાજિત 47 કિલોમીટરનું અંતર કાપી ડ્રોન મારફત દવાઓનું પાર્સલ સફળ રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપી ડ્રોન ટપાલસેવા ચાલુ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.

દિલ્હીથી 4 સભ્યની ટીમ આવી
ડોરસ્ટેપ બેન્કિંગ બાદ પોસ્ટ વિભાગ ડ્રોનથી ડિલિવરી જેવું આધુનિકતા તરફ કદમ ઉપાડી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓ સહિતની ઉચ્ચ ટીમની હાજરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીથી 4 સભ્યની ટીમ પણ આવી હતી.

આ કારણે આ રૂટની કરાઈ પસંદગી
આ માર્ગમાં મોટી ઈમારતો અને ટ્રાફિક ન હોવાથી ડ્રોન ડિલિવરી માટે અનુકૂળ છે, જેથી આ રૂટની પસંદગી કરવામાં આવી છે. વિદેશોમાં ડ્રોન મારફત ડિલિવરી છેલ્લા લાંબા સમયથી શરૂ થઈ ગઇ છે.

અગાઉના જમાનામાં આધુનિક સેવાઓ ન હતી ત્યારે સંદેશા પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો, પણ આધુનિક યુગમાં ડ્રોનથી પાર્સલ કે પત્ર પહોંચાડવાની આ હિલચાલ ગ્રામીણ લોકોને ખૂબ પસંદ આવી છે.

 

Back to top button