ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સમગ્ર ઉત્તર ભારત શીતલહેર અને ધુમ્મસની લપેટમાં, દિલ્હી-યુપી-બિહારમાં વધશે ઠંડી

  • બિહારની રાજધાની પટના સહિત રાજ્યના 19 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના કારણે યલો એલર્ટ
  • સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ અને ટ્રેનો ખોરવાઇ ગઈ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર : આજે વર્ષના છેલ્લા દિવસે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યો ધુમ્મસની લપેટમાં છે. બિહારની રાજધાની પટના સહિત રાજ્યના 19 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં રવિવારે સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેમાં 4 જાન્યુઆરી, 2024 સુધી રાહતની કોઈ આશા નથી.

 

 

 

સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ અને ટ્રેનોની ગતિને પણ અસર થઈ રહી છે. આજે પણ તીવ્ર ઠંડીના કારણે ઘણી ફ્લાઈટો અને ટ્રેનો પ્રભાવિત થઈ છે. ખાસ કરીને દિલ્હી પહોંચતી ટ્રેનો મોડી ચાલી રહી છે, જ્યારે દિલ્હી એરપોર્ટે માહિતી આપી છે કે, ઘણી ફ્લાઈટ્સ પણ મોડી છે.ભારતીય રેલ્વે દ્વારા ઉત્તર ભારતમાં ધુમ્મસના કહેરને કારણે દિલ્હી આવતી 23 ટ્રેનો મોડી કરવામાં આવી છે. IMDના જણાવ્યા અનુસાર, જોરહાટ, પઠાણકોટ, જમ્મુ, આગ્રા અને ભટિંડામાં આજે સવારે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. અંબાલામાં વિઝિબિલિટી 25 મીટર, બિકાનેર, પટિયાલા, ચંદીગઢ, ગ્વાલિયર, ઝાંસીમાં 50 મીટર અને અમૃતસર અને હિસારમાં 200 મીટર હતી.

 

 

કેવું રહેશે આજે દિલ્હી અને યુપીનું હવામાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેશે. દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 19 અને 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. સોમવારે પણ હવામાન આવું જ રહી શકે છે. મંગળવારથી મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થશે અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

 

 

ઉત્તર પ્રદેશમાં આજે પણ શીત લહેર સાથે ગાઢ ધુમ્મસની સંભાવના છે. શનિવારે પણ ધુમ્મસના કારણે સૂર્યપ્રકાશ ન હતો. ગાઢ ધુમ્મસના કારણે પ્રયાગરાજમાં શનિવારે સતત ત્રીજા દિવસે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર યથાવત છે અને તેના કારણે વધારે ભેજ છે. આજે પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.

બિહારમાં ગાઢ ધુમ્મસ, તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગે બિહારની રાજધાની પટના સહિત રાજ્યના 19 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમી પવનને કારણે અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો અને ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ, 2થી 4 જાન્યુઆરી દરમિયાન પટના સહિત 19 શહેરોમાં એક-બે જગ્યાએ વરસાદની સંભાવના છે. રાજધાની પટનામાં આજે મહત્તમ તાપમાન 20 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા છે.

 

મધ્યપ્રદેશમાં પડી શકે વરસાદ

મધ્યપ્રદેશના ગ્વાલિયર, ચંબલ, સાગર, રીવા અને ભોપાલ વિભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. શનિવારે સવારે ગ્વાલિયરમાં વિઝિબિલિટી 50 મીટરથી ઓછી હતી. ખજુરાહોમાં વિઝિબિલિટી 50 મીટર, ભોપાલમાં 800 મીટર હતી. રાજ્યમાં સૌથી ઓછું સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન દતિયા અને ગ્વાલિયરમાં નોંધાયું હતું. ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હતું. પચમઢીમાં તાપમાનનો પારો 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. બીજી તરફ ગ્વાલિયર, દતિયા અને છતરપુર જિલ્લામાં શનિવારે ઠંડી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ભોપાલ ડિવિઝનના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

 

છત્તીસગઢમાં તાપમાનમાં વધારો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છત્તીસગઢમાં તાપમાનમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે, ધર્મનગરી ડોંગરગઢમાં મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ છ ડિગ્રી વધારે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી પર સ્થિર છે. બે દિવસ બાદ તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. આજે હવામાન શુષ્ક રહેશે અને બે દિવસ બાદ હળવો વરસાદ પડી શકે છે.

 

ઉત્તરાખંડમાં હાડ ધ્રૂજતી ઠંડી, ધુમ્મસએ મચાવી તબાહી

 સમગ્ર ઉત્તરાખંડ હાલમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની લપેટમાં છે. રાજ્યમાં હાડકા થીજવી દેતી ઠંડીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હરિદ્વારમાં શનિવારે ધુમ્મસની સફેદ ચાદર જોવા મળી હતી. ધુમ્મસના કારણે દિવસ દરમિયાન અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે હાઇવે અને લિંક રોડ પર ધીમી ઝડપે વાહનો જતાં જોવા મળ્યા હતા. લાંબા અંતરની ટ્રેનોની ગતિ પણ ધીમી પડી હતી. ઉત્કલ એક્સપ્રેસ, અમદાવાદ-યોગનગરી ઋષિકેશ, અમૃતસર જનશતાબ્દી વગેરે જેવી ટ્રેનો મોડી આવવાને કારણે મુસાફરો પરેશાન થયા હતા.

હિમાચલમાં બરફ અને વરસાદની શક્યતા

હિમાચલના કેટલાક ઊંચા વિસ્તારોમાં આજે હળવી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. અટલ ટનલ રોહતાંગથી નોર્થ પોર્ટલ દ્વારા શનિવારે 22 હજારથી વધુ પ્રવાસીઓ કુથ બિહાલી, કોક્સર અને સિસુ પહોંચ્યા. અહીં બરફીલા ખીણોમાં પ્રવાસીઓએ ખૂબ મજા કરી હતી. શુક્રવારે 5113 વાહનોએ અટલ ટનલ પાર કરી હતી, જ્યારે શનિવારે વાહનોની સંખ્યા 5500ને વટાવી ગઈ હતી. આ વખતે રાજ્યમાં ઘણા પ્રવાસીઓ પહોંચ્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં ધુમ્મસની ચાદર

 જમ્મુ-કાશ્મીરમાં આજે પણ ગાઢ ધુમ્મસ છે. આગામી બે દિવસ પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. ધુમ્મસના કારણે શનિવારે સવારે જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ પર આવતી ફ્લાઈટ્સ એકથી બે કલાક મોડી પડી હતી અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ત્રણ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. બપોર બાદ ધુમ્મસ શમી ગયા બાદ સમયપત્રક મુજબ વિમાનોની અવરજવર શક્ય બની હતી.

આ પણ જુઓ :ગુજરાતની ઠંડીમાં ઘટાડો, જાણો કયા શહેરમાં સૌથી ઓછું તાપમાન રહ્યું

Back to top button