દિલ્હી : વાઈબ્રન્ટ સમિટ પૂર્વે 119 દેશના ડિપ્લોમેટ સાથે CMએ યોજી બેઠક
- CM ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર પણ રહ્યા ઉપસ્થિત
- મુખ્યમંત્રીએ રાજદ્વારીઓને વાઈબ્રન્ટ સમિટમાં પધારવાનું પાઠવ્યું આમંત્રણ
જાન્યુઆરી 2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે દિલ્હીમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે દુનિયાના ૧૧૯ દેશોના રાજદ્વારીઓ સાથે શનિવારે(7 ઓક્ટોબરે) બેઠક યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ રાજદ્વારીઓને તારીખ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સામેલ થવા આ રાજદ્વારીઓને નિમંત્રણ પણ પાઠવ્યું હતું.
ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત : CM
રાજદ્વારીઓને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે. પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડીરોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.
૨૦૨૧માં ગુજરાતે ૨૧.૯ બિલિયન ડોલરનું ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું
મૂડીરોકાણકારોની પસંદગીના રાજ્ય તરીકે ગુજરાતની આગવી ઓળખ ઊભી થઈ છે તેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં ગુજરાતે ૨૧.૯ બિલિયન ડોલરનું ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે, જે દેશના કુલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ૩૭ ટકા જેટલું છે. USA, જાપાન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, યુકે, સ્વીટ્ઝરલેન્ડ, ઈટલી, UAE, સાઉદી અરેબિયા, કતાર સહિતના દેશોની કંપનીઓએ ગુજરાતમાં વિવિધ સેક્ટર્સમાં મોટા પાયે રોકાણ કર્યું છે.
આગામી ૧૦ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે નવી દિલ્હી ખાતે ડિપ્લોમેટ્સ મીટનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દુનિયાના વિવિધ દેશો સાથે ગુજરાતની સહભાગિતાનું ફલક વધારવાની નેમ વ્યક્ત કરી હતી.
બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે શું જણાવ્યું ?
વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, G20 ભારતને વિશ્વના વિકાસ માટે અને વિશ્વને ભારતના વિકાસ માટે તૈયાર થવાની વિભાવના ગુજરાત વાઇબ્રન્ટ સમિટથી સાચા અર્થમાં સાકાર કરે છે. આ વિભાવના પ્રત્યક્ષ સાકાર થતી જોવા માંગતા હોય તો તે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં જોવા મળશે. વિશ્વનો કોઈ દેશ એવો નહિ હોય જ્યાં ગુજરાતી ના વસ્યો હોય તેમ જણાવતા તેમણે ગુજરાતીઓની સાહસિકતા ક્ષમતા અને વેપાર કુશળતાની પ્રસંશા કરી હતી.
વધુમાં વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત દરેક આર્થિક ક્ષેત્રે અગ્રેસર, લીડર અને પરફોર્મર રહ્યું છે. ઈવી, એવીએશન, સેમિકન્ડક્ટર જેવી નવી પહેલમાં ગુજરાત લીડર સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. ભારતની તમામ વિશિષ્ટ ઇનિશિએટિવ્સની સમગ્ર શ્રેણી ગુજરાતમાં થઈ રહી છે. આર્થિક રીતે અગ્રેસર ગુજરાત જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતના રસ્તાઓ સૌથી વધુ ઉત્પાદક માર્ગો છે એમ કહી વિદેશમંત્રીએ રાજ્યમાં થયેલા ઉત્કૃષ્ટ માળખાકીય વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વને હવે ગ્રોથના વધારાના એન્જિન અને ઉત્પાદન કેન્દ્રોની જરૂર છે, જે વધુ વિશ્વસનીય અને પારદર્શક હોય. તાજેતરમાં જ ભારતે જાહેર કરેલા ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર-IMEC પણ ગુજરાતમાંથી જ પસાર થાય છે.
આ પણ વાંચો :એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારતની સદી