ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી પ્રદૂષણઃ સ્કૂલો બંધ, વેપારીઓએ માગ્યો વડાપ્રધાનની મુલાકાતનો સમય

  • તમામ પ્રાથમિક શાળાઓ 10 નવેમ્બર સુધી બંધ, ધો. 6થી 12 માટે ઓનલાઇન ક્લાસ
  • તહેવારો હોવા છતાં ધંધો ઘટી રહ્યો હોવાથી વેપારી સંસ્થાએ PM મોદીને લખ્યો પત્ર
  • દિલ્હી, હરિયાણા, પંજાબ-ઉત્તર પ્રદેશની સરકારો સાથે ઈમરજન્સી બેઠક બોલાવવાની કરી માંગ

દિલ્હી : દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા તમામ પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે જ્યારે ધોરણ 6થી 12માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવાનું જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી(CTI) દ્વારા શનિવારે પીએમ મોદીને પત્ર લખીને પ્રદૂષણના કારણે ધંધાના ઘટાડાની ચર્ચા કરવા દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશની સરકારો સાથે ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે. દિલ્હીમાં હવાની ગુણવતા દિન-પ્રતિદિન નબળી થઈ રહી છે અને પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, પરિણામે નાગરિકો, વેપારીઓ સહિત સૌકોઈ ચિંતિત છે.

CTIએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરી અપીલ

CTIએ પત્રમાં જણાવ્યું કે, “દિલ્હી સરકાર તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે પરંતુ દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી છુટકારો મેળવવો તે એકલા દિલ્હી સરકારના હાથમાં નથી. જ્યાં સુધી હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને દિલ્હીની સરકારો સાથે મળીને કામ નહીં કરે ત્યાં સુધી દિલ્હી NCR પ્રદૂષણથી મુક્ત થઈ શકશે નહીં.” CTIએ તેના પત્રમાં વડાપ્રધાનને તાકીદની બેઠક બોલાવવા વિનંતી કરી છે. જેમાં પર્યાવરણ મંત્રીની સાથે સંબંધિત રાજ્યોના નેતાઓ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરી શકે અને ઉકેલ શોધી શકે. દિલ્હીના 20 લાખ વેપારીઓ સંપૂર્ણપણે સરકાર સાથે છે અને જો સરકાર બજારો ખોલવા માટે અલગ-અલગ સમય બનાવે છે, તો દિલ્હીના તમામ માર્કેટ એસોસિયેશન સરકારને સહકાર આપશે.”

PMને લખેલા પત્ર વિશે CTIના ચેરપર્સને શું જણાવ્યું?

CTIના ચેરપર્સન બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે, “પ્રદૂષણના કારણે તહેવારોની સિઝન હોવા છતાં ધંધો ઘટી રહ્યો છે. જેથી કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે કે તમામ સરકારો સાથે મળીને વાયુ પ્રદૂષણ સામે કડક અને નક્કર પગલાં ભરવામાં આવે નહીં તો ધંધાને નુકસાન થશે. હવે લગ્નની સિઝન નજીક છે, બજારમાં ફૂટફોલ સારો છે. અન્ય શહેરોમાંથી પણ ગ્રાહકો દિલ્હી આવે છે. જોકે હાલ પ્રદૂષણને કારણે લોકો આવવા માંગતા નથી. ઘણા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. પ્રદૂષણ માત્ર દિલ્હીમાં જ સમસ્યા નથી પણ નોઈડા, ફરીદાબાદ, ગુડગાંવ અને સોનીપત જેવા NCR શહેરોમાં પણ છે, AQI સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે અને માત્ર કેન્દ્ર સરકાર જ તેનો ઉકેલ શોધી શકે છે.”

પ્રદૂષણની ધંધા પર થઈ રહી છે ગાઢ અસર

દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ નબળી’ કેટેગરીમાં પહોંચી જતાં લોકો તહેવારોની ખરીદી માટે બજારોમાં જવાનું ટાળી રહ્યા છે. NCRથી દિલ્હી પહોંચનારા લોકોની સંખ્યા, જે અગાઉ 3 થી 4 લાખની વચ્ચે હતી, તે હવે ઘટીને એક લાખ થઈ ગઈ છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એકંદર હવાની ગુણવત્તા 410 હતી. SAFARના ડેટા મુજબ, દિલ્હી યુનિવર્સિટી, IIT દિલ્હી, નોઈડા જેવા વિસ્તારોમાં અનુક્રમે 456, 442, 468, 466 AQI નોંધવામાં આવ્યો હતો.

આ પણ જાણો :દિલ્હી વાયુ પ્રદૂષણઃ સરકારનો મોટો નિર્ણય, આગળના આદેશ સુધી તમામ ઝોનલ સ્કૂલ ગેમ્સ અને ઈવેન્ટ્સ રદ

Back to top button