ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ મામલે કેજરીવાલને ફરીવાર નોટિસ આપવા પહોંચી ક્રાઈમ બ્રાંચ

  • ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના પુરાવા આપો : ક્રાઈમ બ્રાંચ
  • શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શિક્ષણ મંત્રી આતિષી માર્લેનાના ઘરે પણ પહોંચી હતી

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચના ACP આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો પર નોટિસ આપવા માટે કેજરીવાલના ઘરે પહોંચ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા CM કેજરીવાલ પાસેથી ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના પુરાવા આપવાનું કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,  અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સરકારને તોડવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે દિલ્હી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ શુક્રવારે રાત્રે કેજરીવાલને નોટિસ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તેઓ હાજર ન હતા. દિલ્હી પોલીસની નોટિસમાં અરવિંદ કેજરીવાલને તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોના સમર્થનમાં પુરાવા આપવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મંત્રી આતિષી માર્લેનાના ઘરે પણ પહોંચી, પરંતુ ખબર પડી કે તે ચંદીગઢમાં છે.

 

 

દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિક્ષણમંત્રી આતિષી માર્લેના પાસેથી જાણવા માંગે છે કે, “તેઓએ કયા આધારે ભાજપ તેમના ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જે આક્ષેપો કર્યા છે તેના સમર્થનમાં કયા પુરાવા છે? જો કોઈ પુરાવા હોય તો ક્રાઈમ બ્રાન્ચને આપો, જેની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અરવિંદ કેજરીવાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે, “તેમની પાર્ટીના 7 ધારાસભ્યોનો ભાજપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. ભાજપે તરત જ તેમના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને આ મામલે દિલ્હી પોલીસને ફરિયાદ કરી.

 

 

મુખ્યમંત્રીના આરોપો પર દિલ્હી બીજેપી અધ્યક્ષે શું કહ્યું ?

મુખ્યમંત્રીના આરોપો પર દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, ‘આ દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલ રાજકીય રીતે કેટલા હતાશ થઈ ગયા છે. તેમનો આ પાયાવિહોણો આરોપ પોતાને રાજકીય રીતે જીવંત રાખવાનો પ્રયાસ છે. દિલ્હીમાં 70માંથી 62 ધારાસભ્યો ધરાવતી સત્તાધારી AAP પાર્ટીના ધારાસભ્યોને ભાજપ તોડવા માંગે છે તેવો આક્ષેપ તેમની માનસિક નાદારી દર્શાવે છે.’ કેજરીવાલના નિવાસસ્થાને પોલીસની અચાનક મુલાકાત એવા સમયે આવી છે જ્યારે તેઓ શરાબ કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર છે.

 

અરવિંદ કેજરીવાલે શું દાવો કર્યો છે?

અરવિંદ કેજરીવાલે 27 જાન્યુઆરીએ X(ટ્વિટર) પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, બીજેપી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે લખ્યું હતું કે, ‘તાજેતરમાં ભાજપે અમારા દિલ્હીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે, તેઓ થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરશે. તે પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બીજા સાથે પણ વાત કરી રહ્યા છે. ત્યારબાદ અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. 25 કરોડ આપશું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા દેશું.

તેમણે વધુમાં લખ્યું કે, ‘જો કે તે દાવો કરે છે કે તેઓએ 21 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી અનુસાર તેણે અત્યાર સુધીમાં માત્ર 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ ના પાડી દીધી છે. મતલબ છે કે મારી ધરપકડ કોઈ દારૂ કૌભાંડની તપાસ માટે કરવામાં આવી રહી નથી, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું રચી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. ભગવાન અને લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો. અમારા તમામ ધારાસભ્યો પણ મજબૂત રીતે સાથે છે. આ વખતે પણ આ લોકો તેમના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે. આ લોકો જાણે છે કે અમારી સરકારે દિલ્હીના લોકો માટે કેટલું કામ કર્યું છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા તમામ અવરોધો છતાં, અમે ઘણું બધું સિદ્ધ કર્યું છે. દિલ્હીના લોકો AAPને ખૂબ પ્રેમ કરે છે. તેથી ચૂંટણીમાં AAPને હરાવવા તેમના હાથમાં નથી. તેથી તેઓ નકલી દારૂના કૌભાંડના બહાને તેમની ધરપકડ કરીને સરકારને ઉથલાવી દેવા માંગે છે.”

આ પણ જુઓ: આપ MLA ના હોર્સ ટ્રેડિંગના આરોપો પર CM કેજરીવાલને નોટિસ આપવા પહોંચી ક્રાઈમબ્રાન્ચ

Back to top button