ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી પોલીસે મહિલાઓને બ્લેકમેલ કરતાં સાયબર ઠગની કરી ધરપકડ, સેંકડો ફોટોગ્રાફ્સ મળ્યા

  • ફેક પ્રોફાઈલ બનાવીને મહિલાઓ પાસેથી પૈસા વસુલતો અને ખાનગી ફોટા-વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો

નવી દિલ્હી, 4 જાન્યુઆરી, 2025: દિલ્હી પશ્ચિમ પોલીસની સાયબર ટીમે બદમાશ સાયબર ગુનેગારની ધરપકડ કરી છે જે અમેરિકન મોડલ હોવાનો ઢોંગ કરીને મહિલાઓને ફસાવતો હતો અને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા વસૂલ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તુષાર બિષ્ટ નામના આરોપીએ વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર અને ફેક IDનો ઉપયોગ કરીને બમ્બલ, સ્નેપચેટ અને અન્ય ચેટિંગ એપ્સ પર નકલી પ્રોફાઇલ બનાવી હતી. આરોપી પોતાને અમેરિકા સ્થિત મોડલ કહીને 18થી 30 વર્ષની છોકરીઓ સાથે મિત્રતા કરતો હતો અને યુવતીઓનો વિશ્વાસ જીત્યા બાદ તે તેમની પાસેથી ખાનગી ફોટા અને વીડિયો મંગાવતો હતો.

સેંકડો યુવતીઓના ફોટા અને વીડિયો મળી આવ્યા

પોલીસે કહ્યું કે, જેમ યુવતીઓ તેને તેમની ખાનગી તસવીરો મોકલશે, આરોપી તેમને બ્લેકમેલ કરીને પૈસાની માંગ કરશે. પોલીસના જણાવ્યા અનુસાર, જો કોઈ છોકરી પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની અથવા કોઈને વેચવાની ધમકી આપતો હતો. તુષારની ધરપકડ બાદ તેની પૂછપરછ દરમિયાન આશ્ચર્યજનક ખુલાસો થયો હતો. તુષારે કહ્યું કે, તેણે બમ્બલ પર 500 છોકરીઓ અને સ્નેપચેટ-વોટ્સએપ પર લગભગ 200 છોકરીઓનો સંપર્ક કર્યો હતો. તેના મોબાઈલમાં અનેક મહિલાઓની વાંધાજનક તસવીરો અને વીડિયો મળી આવ્યા હતા.

વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી હતી

અહેવાલો અનુસાર, દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનીએ 13 ડિસેમ્બર 2024ના રોજ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીનીએ કહ્યું કે, જાન્યુઆરી 2024માં તેણે બમ્બલ એપ પર એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. આરોપીએ પોતાનો પરિચય અમેરિકા સ્થિત મોડલ તરીકે આપ્યો હતો અને મિત્રતા બાદ બંને સ્નેપચેટ અને વોટ્સએપ પર વાત કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે આરોપીએ વિદ્યાર્થિની પાસે તેની ખાનગી તસવીરો અને વીડિયો માગ્યા, બાદમાં વિદ્યાર્થિનીનો વીડિયો મોકલીને તેને બ્લેકમેલ કરી પૈસાની માગણી કરી. દબાણ હેઠળ વિદ્યાર્થીનીએ થોડી રકમ આપી, પરંતુ આરોપીની માંગ વધી ગઈ. હતાશ થઈને વિદ્યાર્થિનીએ તેના પરિવારને આખી વાત કહી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આરોપી તુષાર બિષ્ટ શકરપુરનો રહેવાસી

આરોપી તુષાર બિષ્ટ દિલ્હીના શકરપુરનો રહેવાસી છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન, 13 ક્રેડિટ કાર્ડ અને અનેક યુવતીઓનો ડેટા મળી આવ્યો હતો. તુષારે BBA કર્યું છે અને નોઈડામાં એક કંપનીમાં કામ કરતો હતો. મામલાની તપાસ ચાલુ છે.

આ પણ જૂઓ: ‘અવાજ ન આવવો જોઈએ…’ વિદ્યાર્થિની મંદિરમાં પૂરાઈ ગઈ, જીભ કાપી અને…

Back to top button