ઝારખંડના બે સબ-ઈન્સ્પેક્ટરની દિલ્હી પોલીસે કરી ધરપકડઃ જાણો શું છે આ ગંભીર મામલો?
નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2024: ઝારખંડ પોલીસ વિભાગના બે સબ-ઈન્સ્પેક્ટરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આ બંને સબ ઈન્સ્પેક્ટર ઉપર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંપઈ સોરેનની જાસુસી કરવાનો આરોપ છે.
અહેવાલ મુજબ, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંપઈ સોરેને ઝારખંડના બે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચંપઈ સોરેને આ બંને સબ ઈન્સ્પેક્ટર ઉપર જાસુસીનો આરોપ મૂક્યો છે. આરોપ છે કે, ઝારખંડ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના આ બંને સબ ઈન્સ્પેક્ટર ચંપઈ સોરેન તેમજ આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સરમાનો પીછો કરી રહ્યા હતા.
આ બંને સબ-ઈન્સ્પેક્ટર સોરેનની ફ્લાઈટમાં જ કોલકાતાથી દિલ્હી પહોંચ્યા હતા, એટલું જ નહીં પરંતુ તાજ હોટેલમાં તેમના રૂમની નજીક રૂમ રાખ્યો હતો. આ બંને જણા ચંપઈ સોરેનની ગતિવિધીના ફોટા પાડી રહ્યા હતા. આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સરમાએ આ અંગે જણાવ્યું કે, ચંપઈ સોરેનની દિલ્હી મુલાકાત દરમિયાન ઝારખંડ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. ચંપઈ સોરેનની ગતિવિધીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું.
ચંપઈ સોરેને નોંધાવેલી ફરિયાદને પગલે દિલ્હી પોલીસે બંને સબ-ઈન્સ્પેક્ટરને ઝડપી લીધા હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંનેએ પોતે પત્રકાર હોવાનું ખોટું બોલ્યા હતા.
નોંધપાત્ર છે કે, ચંપઈ સોરેને ગઈકાલે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી 30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે.
આ પણ વાંચોઃ સતીશ કુમાર રેલવે બોર્ડના પ્રથમ દલિત સીઈઓ, ફૉગ સેફ ડિવાઈસ વિકસીત કરવાનો શ્રેય મળ્યો