ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચીની ફન્ડિંગ મામલે મીડિયા આઉટલેટ ન્યૂઝક્લિક પર દિલ્હી પોલીસની કાર્યવાહી

 

  • ન્યૂઝક્લિકના પત્રકારો,વહીવટદારો અને લેખકોના 30 સ્થળો પર પોલીસના દરોડા
  • વેબસાઈટને ચીની કંપની પાસેથી ફન્ડિંગ મળતું હોવાનો આરોપ 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગે મંગળવારે(3 ઓક્ટોબરે) મની લોન્ડરિંગ અને તેના પ્લેટફોર્મ પર ચીનની તરફેણ કરતી સામગ્રી પ્રકાશિત કરવાના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલા કેસના સંબંધમાં મીડિયા આઉટલેટ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં સ્પેશિયલ સેલ વિભાગે વહેલી સવારથી જ દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડી કાર્યવાહી કરી છે.

 

 

ચીનની કંપની પાસેથી ફન્ડિંગ લેવામાં આવતું હોવાનો આરોપ

ન્યૂઝક્લિકની ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કેસમાં તપાસ કરવામાં આવી રહી છે જેમાં ન્યૂઝ આઉટલેટ પર ચીનની કંપની પાસેથી ફન્ડિંગ લેવાનો અને તેના સમાચાર દ્વારા ભારતમાં “ચીન તરફી પ્રચાર” ફેલાવવા માટે તેનો ઉપયોગ કરવાનો આરોપ છે. જેથી સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા ન્યૂઝક્લિકના પત્રકારો પર દરોડા વચ્ચે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા લોકોને સ્પેશિયલ સેલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલ વિભાગે આ મામલે UAPA હેઠળ કેસ નોંધ્યો છે.

 

 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન સ્પેશિયલ સેલ વિભાગે ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કર્યાં છે.

 

 

ન્યૂઝક્લિકના પત્રકાર દરોડા વિશે શું જણાવ્યું ?

મળતી માહિતી મુજબ, ન્યૂઝક્લિકના પત્રકાર અભીષેક શર્માએ આ ઘટના અંગે જાણકારી આપી કહ્યું કે, દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી અને મારું લેપટોપ તેમજ ફોન જપ્ત કર્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લઇ લેવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલ વિભાગે આ મામલે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. તેમના પર આરોપ છે કે, આ વેબસાઈટમાં ચીનની કંપનીઓએ ફન્ડિંગ કર્યું છે. આ પહેલા દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે EDએ પણ કાર્યવાહી કરી હતી. ત્યારે હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટરોને ધરપકડમાંથી રાહત આપી હતી, પરંતુ હવે આ કેસના આરોપીઓની ધરપકડ થઈ શકે છે.

 

ન્યૂઝક્લિક સાથે જોડાયેલ જગ્યાઓ પરના દરોડા અંગે પ્રતિક્રિયા આપતા, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું, “જો કોઈએ કંઈ ખોટું કર્યું હોય, તો તપાસ એજન્સીઓ નિર્ધારિત માર્ગદર્શિકા હેઠળ તેમની સામે તપાસ કરવા માટે સ્વતંત્ર છે…”

સમાચાર વેબસાઈટ દ્વારા અહેવાલ કરવામાં આવ્યો દાવો 

ન્યૂયોર્ક ટાઇમ્સના ઑગસ્ટ 5ના રોજ પ્રકાશિત અહેવાલ ‘એ ગ્લોબલ વેબ ઑફ ચાઇનીઝ પ્રોપેગન્ડા લીડ્સ ટુ એ યુએસ ટેક મોગલ’માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ન્યૂઝક્લિક એ વૈશ્વિક નેટવર્કનો એક ભાગ હતો. જેને અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ભંડોળ મળ્યું હતું, જે કથિત રીતે ચીની સરકારના પ્રચાર મિશન સાથે નજીકથી કામ કરે છે.

અહેવાલ બાદ, સમાચાર વેબસાઈટે ઓગસ્ટ 7 ના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું અને દાવો કર્યો હતો કે “ચોક્કસ રાજકીય કલાકારો અને મીડિયાના વિભાગો દ્વારા તેના પર આરોપો મૂકવામાં આવ્યા હતા અને તે પાયાવિહોણા છે અને હકીકતમાં અથવા કાયદામાં આધાર વગરના છે.”

Back to top button