દિલ્હી, મુંબઇના પ્રદુષણથી હાર્ટએટેકની સાથે ડાયાબિટીસનું રિસ્ક પણ વધ્યું!
- દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં વાયુ પ્રદુષણ ડાયાબિટીસના ખતરાને વધારી રહ્યું છે. એક રિસર્ચમાં એવો પણ દાવો કરાયો છે કે પોલ્યુશનના લીધે શ્વાસ અને દિલની બીમારીઓની સાથે સાથે ડાયાબિટીસનો ખતરો પણ વધે છે.
દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં ઠંડીની સીઝનમાં વાયુ પ્રદુષણ તેની ટોચ પર પહોંચી જાય છે. આ કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. એક અભ્યાસમાં દાવો કરાયો છે કે પ્રદુષિત હવામાં શ્વાસ લેવાથી ડાયાબિટીસનો ખતરો પણ વધે છે. રિસર્ચમાં કહેવાયું છે કે પ્રદુષિત હવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું રિસ્ક વધી જાય છે. દિલ્હી અને દક્ષિણ ચેન્નાઇમાં કરાયેલા અભ્યાસ મુજબ પ્રદૂષણના કારણે હવામાં PM 2.5 પાર્ટિકલ્સ વધી જાય છે. શ્વાસની સાથે તે શરીરમાં જતા બ્લડ શુગર લેવલ હાઇ રહે છે અને લોકોમાં લાંબા સમય માટે ટાઇપ-2 ડાયાબિટીસનું રિસ્ક વધી જાય છે.
ભારતની ગંભીર બીમારીઓ માટે કરાયું રિસર્ચ
વાળ કરતા પણ લગભગ 30 ગણા પાતળા PM 2.5 પાર્ટિકલ્સ શરીરની અંદર જવાથી હ્રદયને લગતી બીમારીઓ અને શ્વાસને લગતી બીમારીઓ થાય છે. આ અભ્યાસ એ લાંબા રિસર્ચનો ભાગ છે, જે ભારતમાં ગંભીર બીમારીઓ માટે કરાયું છે. તેની શરૂઆત 2010માં થઇ હતી. એવું પહેલી વાર થયુ જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસ અને પોલ્યુશનની વચ્ચે સંબંધ હોવાનું જણાવાયું છે. ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં સૌથી વધુ હવાનું પ્રદુષણ છે. દિલ્હી, ગાઝિયાબાદ, મુંબઇ, આગરા, કાનપુર સહિત તમામ શહેરોમાં પ્રદુષણ લેવલ વધારે છે.
ભારતમાં શુગરથી પીડાતા દર્દીઓનું પ્રમાણ યુરોપ કરતા પણ વધુ
આ ઉપરાંત ભારતમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને હ્રદય સંબંધિત બીમારીઓથી પીડાતા લોકોની સંખ્યા વધુ છે. દેશમાં લગભગ 11 ટકા વસ્તી શુગરથી પીડાય છે. આ ઉપરાંત 13 કરોડથી વધુ લોકો પ્રી-ડાયાબિટિક સ્ટેજમાં છે. જુનમાં પ્રકાશિત લેટેસ્ટ અભ્યાસમાં આ દાવો કરાયો છે. આ આંકડા યૂરોપની સરખામણીમાં ઘણા વધુ છે. ત્યાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ 6.2 ટકા છે. અભ્યાસમાં કહેવાયું છે કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં શહેરી ક્ષેત્રોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે.
આ પણ વાંચોઃ વોલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવી